ધંધુકાના પડાણા ગામે 4 માસના પુત્રની માતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યો
- લવ મેરેજ કરીને મોટી ભૂલ કરી... પતિ, સાસુ અને જેઠે જીવન નર્ક બનાવ્યું
- ઝઘડા કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા પરિણીત યુવતી પંખા સાથે લટકી ગઈ, મૃતકના માતાએ મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી
ઘટના સંદર્ભે મળતી વિગત અનુસાર ધંધુકામાં દરિયાપીરની દરગાહ પાસે રહેતા મરિયમબેન બચુભાઈ તલાટ (ઉ.વ.૫૫)ની બી.એ. પાસ પુત્રી રૂકસાદબાનુ (ઉ.વ.૨૩)એ એકાદ વર્ષ પૂર્વે પડાણા ગામે રહેતો સોહિલ ઐયુબભાઈ પાદરશી નામના શખ્સ સાથે પ્રેમલગ્ન કર્યા બાદ પતિ સોહિલ પાદરશી, સાસુ જકુબેન ઐયુબભાઈ પાદરશી અને જેઠ અનિસ ઐયુબભાઈ પાદરશી (રહે, ત્રણેય પડાણા, તા.ધંધુકા)એ અવાર-નવાર ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળી જઈ મજબૂર કરતા ગઈકાલે સોમવારે મોડી રાત્રિના ૧૧-૩૦ કલાકના અરસામાં રૂકશાદબાનુએ સાસરીના પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મરિયમબેન તલાટે તેમના દીકરીને મરવા મજબૂર કરનાર જમાઈ સોહિલ પાદરશી, દીકરીના સાસુ જકુબેન પાદરશી અને જેઠ અનિસ પાદરશી સામે નોંધાવેલી ફરિયાદના આધારે ધંધુકા પોલીસે આઈપીસી ૩૦૬, ૪૯૮એ અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવાન પરિણીતાએ ફાંસો ખાઈ જિંદગીનો અંત આણી દેતા તેના ચાર માસના માસૂમ પુત્રે માતાની છત્રછાયા ગુમાવી હતી.
તેમણે ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ગત તા.૩૦-૪ના રોજ પિતાનું મૃત્યુ થયાના બીજા દિવસે જિયારતમાં આવેલી દીકરી રૂકશાદબાનુએ સાસરિયાના અસહ્ય ત્રાસ અંગે જણાવ્યું હતું કે, મેં લવ મેરેજ કરીને ખૂબ જ મોટી ભૂલ કરી છે. પતિ, સાસુ અને જેઠ નાની-નાની વાતમાં ઝઘડા કરી ત્રાસ આપે છે અને ઘરમાં પૈસા બાબતે પણ બોલાચાલી કરી મેણાં-ટોણાં મારે છે. આમ, દીકરીએ પ્રેમલગ્નની થયેલી ભૂલ અને સાસરિયાના અસહ્ય ત્રાસની વાત પણ તેમની માતા અને બે બહેનો સમક્ષ કરી હતી.
બીમાર પિતાને મળવા આવવા દેવા પણ કેટલીય વખત આજીજી કરવી પડી
રૂકશાદબાનુબેનએ પ્રેમલગ્ન કર્યા બાદ ઘણાં સમય સુધી તેમના પિયર સાથે તેણી સંપર્કમાં જ ન હતી. દરમિયાનમાં પિતા બચુભાઈ ઉસ્માનભાઈ તલાટ બીમાર રહેતા હોવાથી મૃત્યુ પહેલા દીકરીને મળવાની ઈચ્છા વ્યક્ત કરતા ભત્રીજા આશિકભાઈએ તેણીના સસરાનો ફોન નંબર અને પછી તેમના પાસેથી રૂકશાદબાનુના પતિનો નંબર મેળવી ફોન પર વાત કરી છથી સાત વખત વિનંતી કરી હતી. ત્યારે માંડ માંડ તેણીને લઈને શખ્સ ધંધુકા આવ્યો હતો. અહીં પિતાની ખબર-અંતર પૂછી એકાદ કલાકમાં રૂકશાદબેન પડાણા ગામે જતા રહ્યા હતા. તેની બે કલાક બાદ જ પિતાની દીકરીને મળવાની અંતિમ ઈચ્છા પૂરી થઈ હોય તેમ તેમનું મૃત્યુ થયું હતું. સાસરિયાની અકોણાઈ અને ત્રાસ એટલી હદે હતો કે, પિયરમાં રોકાવાના બદલે પિતાની અંતિમવિધિ થઈ તે રાત્રે જ રૂકસાદબાનુ પડાણા ગામે સાસરે જતા રહ્યા હતા.
મારા પતિ કે સાસરીવાળાને કાંઈ કહેતા નહીં, નહીંતર મને વધું હેરાન કરશે
છેલ્લા ઘણાં સમયથી પતિ અને સાસુ, જેઠનો ત્રાસ સહન કરનારા યુવાન પરિણીતા રૂકશાદબાનુને માતા અને બહેનો સમક્ષ આપવીતિ કહેવા મોકો મળ્યો ત્યારે તેમણે રડતા-રડતા ઝઘડા અને બોલાચાલીની વાત જણાવવાની સાથે અત્યારે મારા પતિ કે મારા સાસરીવાળાને કાંઈ કહેતા નહીં, નહીંતર મને વધારે હેરાન કરશે તેમ કહીં પિતા બીમાર હતા. ત્યારે મળવા પણ આવવા દેતા ન હતા. તેમજ પિતાજી મરણ ગયા તે સમયે પણ ધંધુકા આવવાની ના પાડતા હોવાનું જણાવી મારા પતિ કે બીજા સાસરીવાળા હોય ત્યારે મહેરબાની કરીને મને બોલાવશો નહીં. તમે મને બોલાવશો તો તે મારી સાથે ખૂબ જ ઝઘડો કરશે તેવું હાથ જોડીને કહ્યું હતું.