Get The App

પૈસાની લેતી-દેતી મામલે તરેડી ગામના પાટિયા પાસે આધેડની હત્યા

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
પૈસાની લેતી-દેતી મામલે તરેડી ગામના પાટિયા પાસે આધેડની હત્યા 1 - image


મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં સથરા ગામના ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

સથરાના ત્રણ શખ્સોએ સોમવારે રાત્રે વાઘનગરમાં રહેતા આધેડને બોલાવી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો

મહુવા: મહુવાના તરેડી ગામના પાટિયા પાસે પૈસાની લેતી-દેતી મામલે વાઘનગર ગામના શખ્સની કરપીણ હત્યા કરી દેવાના બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે. સથરા ગામના ત્રણ શખ્સોએ વાઘનગર ગામના શખ્સને ગત સોમવારે રાત્રિના બોલાવી માથાના ભાગે હુમલો કરી હત્યા કરી દઈ તેમની બાઈક અને મૃતદેહને તરેડી ગામના પાટિયાથી ખાટસુરા ગામ જવાના રસ્તાની સાઈડમાં ફેંકી દીધો હતો. બનાવ અંગે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં સથરા ગામના ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મહુવા તાલુકાના વાઘનગર ગામ સુંદર પ્લોટ વિસ્તારમાં રહેતા નાજાભાઈ સોલંકી (ઉ.વ.૪૫) ગત સોમવારે મોડી રાત્રિ સુધી પોતાના ઘરે પરત નહી આવતા પરિવારજનોએ શોધખોળ કરતા ગઈકાલે મંગળવારે વહેલી સવારે પાંચ વાગ્યે તરેડી ગામના પાટિયાથી ખાટસુરા ગામ તરફ જવાના રસ્તે સાઈડમાં લોહીલુહાણ હાલતે તેઓ મળી આવ્યા હતા જેમને મહુવા સરકારી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ બનાવ અંગે નાજાભાઈ સોલંકીના ભત્રિજાએ મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં અશોક શામજીભાઈ સાંખટ, ચકુર વેલજીભાઈ મકવાણા અને રાહુલ મંગાભાઈ ભાલીયા (તમામ રહે. સથરા, તા. મહુવા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ઉક્ત અશોક શામજીભાઈ સાંખટે તેમના કાકા નાજાભાઈને રૂપિયા આપેલા હતા જે રૂપિયા અવાર-નવાર તેઓ માંગતા હતા પરંતુ તેમના કાકા પાસે પૈસાની સગવડ નહી હોવાથી પૈસા આપી શકતા નહોતા તેથી ઉક્ત ત્રણેય ગત સોમવારે રાત્રિના સથરા ગામના બાઘાભાઈ માવજીભાઈ સાંખટની વાડીએ પાર્ટીમાં હતા ત્યારે તેમના કાકા નાજાભાઈને ત્યાં બોલાવી કોઈ પણ બહાને તેમના કાકાને તેમની બાઈક સાથે તરેડી ગામના પાટિયાથી ખાટસુરા ગામ જવાના રસ્તે લઈ જઈ કોઈ વસ્તુ વડે માથાના ભાગે હુમલો કરી હત્યા કરી તેમની બાઈક અને મૃતદેહને રોડની સાઈડમાં ફેંકી દીધી હતી. બનાવ અંગે મહુવા ગ્રામ્ય પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.


Google NewsGoogle News