ભાવનગરના આધેડનો કુળદેવી સમક્ષ અગ્નિસ્નાન કરી આપઘાત, ચકચાર
- આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી અંતિમ પગલું ભર્યું
- શ્રમજીવી સોસાયટીમાં રહેતા યુવાને રાત્રે આલાપર ગામે જઈ માતાજીના દર્શન કર્યા બાદ જાત જલાવી દીધી
ભાવનગર અને ઘોઘા પંથકમાં ભારે ચકચાર સાથે અરેરાટી મચાવનારી ઘટનાની મળતી વિગત શહેરના ઘોઘારોડ શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને મકાન લે-વેચનો વ્યવસાય કરતા ગોવિંદભાઈ ધનજીભાઈ ધાપા (ઉં.વ.૪૬) ગઈકાલે શુક્રવારે ભાવનગરથી ઘોઘાના આલાપર ગામે તેમના કુળદેવી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે ગયા હતા અને માતાજીના દર્શન કરીને મંદિર પરિસરની અંદર જ શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને દિવાસળીની કાંડી ચાપી દઈ અગ્નિસ્નાન કરી ભડભડ સળગી ઉઠેલા ગોવિંદભાઈ ધાપા આખા શરીરમાં ગંભીર રીતે દાઝી ગયા હતા. યુવકે માતાજી સમક્ષ જ જાત જલાવી લીધાની જાણ થતાં સ્થાનિક લોકો મંદિરે દોડી ગયા હતા અને આધેડને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગંભીર રીતે દાઝી જવાથી આધેડનું કરૂણ મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતા ઘોઘા પી.એસ.આઇ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે મૃતકના ભાઈએ આપેલી જાહેરાતના આધારે પોલીસે અકસ્માતે મોતની એન્ટ્રી કરી આગળની તપાસ હાથ ધરી છે.
મકાન લે-વેચનો ધંધો ચાલતો ન હોવાથી અંતિમ પગલું ભર્યું
મકાન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા ગોવિંદભાઈ ધાપાને છેલ્લા કેટલાક સમયથી મકાન લે-વેચનો ધંધો સરખો ચાલતો ન હોવાથી તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા હતા અને ઘરની જવાબદારી સામે આર્થિક સ્થિતિ ડામાડોળ હોવાથી તેઓ આર્થિક સંકળામણમાં આવી ગયા હતા અને તેનાથી છુટકારો મેળવવા ગોવિંદભાઈ ધાપા આત્મહત્યા કરવાના વિચાર સાથે આલાપરા ગામે પહોંચ્યા હતા અને ત્યાં માતાજી સમક્ષ જ અગ્નિસ્નાન કરી અંતિમ પગલું ભરી લીધું હોવાનું મૃતકના ભાઈ ઓમપ્રકાશભાઈ ધનજીભાઈ ધાપાએ ઘોઘા પોલીસમાં જાહેર કર્યું હતું.