ભાંભણ-બોટાદ રોડ પર ટ્રિપલ અકસ્માતમાં એક આધેડનું મોત

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
ભાંભણ-બોટાદ રોડ પર ટ્રિપલ અકસ્માતમાં એક આધેડનું મોત 1 - image


ઓવરટેક કરતી બાઈકને આઈસર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો

મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા

ભાવનગર: બોટાદ-ભાંભણ રોડ પર પાણીના સંપ નજીક આઈસર  ટેમ્પો અને બે બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ભાંભણ ગામના આધેડને ગંભીર ઈજા થતાં તેઓનું કરૂણ મોત થયું હતું. જ્યારે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટના અંગે મળતી વિગત અનુસાર ગઢડા તાલુકાના લાખણકા ગામે રહેતા અરવિંદભાઈ ખોડાભાઈ બકોટીયા (ઉ.વ.૬૦)ના પત્ની હીરાબેનને ઘુંટણમાં દુઃખાવો થતો હોવાથી ગઈકાલે બુધવારે દંપતી પોતાનું બાઈક નં.જીજે.૦૩.બીજે.૪૦૮૫ લઈ બોટાદની સબીહા હોસ્પિટલ ખાતે જઈ રહ્યા હતા. દરમિયાનમાં ભાંભણ ગામથી બોટાદ તરફ જતા રસ્તે પાણીના સંપથી આગળ પહોંચતા બોટાદ તરફથી આવી રહેલ બાઈક નં.જીજે.૦૯.એઈ.૬૧૪ના ચાલકે ટાટા ૪૦૭ નં.જીજે.૦૫.વી.૯૧૮૫ને ઓવરટેક કરી ત્યારે આઈસર ટેમ્પાના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેથી બાઈકચાલકે કાબૂ ગુમાવી દેતા વૃદ્ધ અરવિંદભાઈની બાઈક સાથે બાઈક અથડાઈ હતી. જે અકસ્માતની ઘટનામાં બાઈક નં.જીજે.૦૯.એઈ.૦૬૧૪ના ચાલક લાભુભાઈ મથુરભાઈ વાઘેલા (ઉ.વ.૫૫, રહે, ભાંભણ, તા.બોટાદ)ને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે તેઓનું મોત થયું હતું. આ અકસ્માતની ઘટનામાં દંપતી તેમજ મૃતકની બાઈક પાછળ બેસેલ અન્ય એક વ્યક્તિને પણ નાના-મોટી ઈજા પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જી આઈસરનો ચાલક ભાંભણ તરફ વાહન હંકારી નાસી છુટયો હતો.

બનાવ અંગે અરવિંદભાઈ બકોટીયા (ઉ.વ.૬૦)એ નોંધાવેલી ફરિયાદના આધારે આઈસર નં.જીજે.૦૫.વી.૯૧૮૫ના ચાલક સામે આઈપીસી ૩૦૪એ, ૨૭૯, ૩૩૭, ૩૩૮, એમવી એક્ટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News