રાજકોટમાં વરસાદી પાણીમાં તણાઈ ગયેલા આધેડનું મોત
પત્ની સાથે સ્થળાંતર કરતા હતા ત્યારે બનેલી ઘટના
જેતપુરના રૂપાવટી ગામનો યુવક ફુલઝર નદીમાં તણાતા શોધખોળ
રાજકોટ: રાજકોટમાં ભારે વરસાદને પગલે પાણીનાં પ્રવાહમાં તણાઈ ગયેલા આધેડનું મૃત્યુ નિપજયું હતું. જયારે જેતપુર તાલુકાના રૂપાવટી ગામનો યુવક પાણીના પ્રવાહમાં તણાઈ જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રાજકોટના કેનાલ રોડ પરની લલુડી વોંકળી પાસે અશ્વિનભાઈ ભગવાનભાઈ તન્ના (ઉ.વ.૪પ) રહેતા હતા. નિસંતાન અશ્વિનભાઈ પત્ની લીલાબેન સાથે રહેતા હતા. એટલું જ નહી ફેરી કરતા હતા. ભક્તિનગર પોલીસના સૂત્રોએ જણાવ્યું કે શહેરમાં ભારે વરસાદને પગલે ગઈકાલે રાત્રે જ તેમના સગા-સંબંધીઓએ મકાનમાંથી સ્થળાંતર કરવાનું કહ્યું હતું. પરંતુ રાતના સમયે અનુકૂળતા ન હોવાથી આજે સવારે અશ્વિનભાઈ પત્ની સાથે ઘરેથી નીકળ્યા હતા.
વસુંધરા એપાર્ટમેન્ટ પાસે લલુડી વોંકળીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા બાદ થોડી વાર પછી બેભાન હાલતમાં મળી આવ્યો હતા. તેમને પાણીમાંથી બહાર કાઢી સિવીલ લઈ અવાયા હતા. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
જયારે જેતપુર તાલુકાના રૂપાવટી ગામે રહેતો પિયુષ મગનભાઈ સાદીયા (ઉ.વ.ર૭) ફુલઝર નદીમાં તણાઈ ગાયબ થઈ ગયો હતો. જાણ થતાં ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે સ્થળ પર પહોંચી અને તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે મોડી સાંજ સુધી તેની ભાળ મળી ન હતી.