Get The App

ભાવનગરઃ હીરાબજારમાંથી એક વેપારી અને એક દલાલ અઢી કરોડનું ફૂલેકું ફેરવી હવામાં ઓગળી ગયા

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
ભાવનગરઃ હીરાબજારમાંથી એક વેપારી અને એક દલાલ અઢી કરોડનું ફૂલેકું ફેરવી હવામાં ઓગળી ગયા 1 - image


- બન્નેએ અલગ-અલગ વેપારી પાસેથી હીરા ખરીદી સમયમર્યાદામાં નાણાં ન ચૂકવ્યા 

- ડયામંડ એસો.ને સાથે રાખી બે વેપારીએ બે વ્યક્તિ વિરૂદ્ધ નામ જોગ છેતરપિંડી સહિતની કલમ અન્વયે ગુન્હો નોંધવા પોલીસને અરજી આપી 

ભાવનગર : ભાવનગરની કરોડરજ્જુ સમાન હીરા ઉદ્યોગ હાલ મંદીના વમળમાં ફસાયેલું છે. તેવામાં સ્થાનિક બે વેપારીને મંદીમાં પડયા પર પાટું પડયું હોય તેમ એક વેપારી અને એક દલાલ એમ બે વ્યકિતઓએ હીરા ખરીદી સમયમાર્યાદામાં નાણાં ન ચૂકવી ફૂલેકું ફેરવી દિધાની ચર્ચાએ જોર પક્ડયું છે. બીજી તરફ,હીરા ખરીદ્યા બાદ સમયમર્યાદામાં નાણાં ન ચૂકવાતાં જિલ્લા ડાયમંડ એસો.મેદાને આવ્યું છે અને બન્ને સામે છેતરપીંડી સહિતની કલમ અન્વયે ગુન્હો નોંધવાની માંગ સાથે બન્ને વિરૂદ્ધ પોલીસને નામજોગ અરજી આપતાં મંદ હીરાબજારમાં ગરમાવો આવી ગયો છે.

ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસીયાએ વિગતો આપતાં જણાવ્યું કે,ભાવનગર શહેરના હીરાબજારમાં એક વેપારી અને એક હીરા દલાલે બે નામી વેપારીઓ પાસેથી અનુક્રમે રૂા.૧.૨૪ કરોડ અને રૂા.૧.૩૦ કરોડના હીરા વેચાણાર્થે લીધા હતા. હીરાબજારની પરંપરા અનુસાર હીરાના ખરીદ-વેચાણ સમયે જ ખરીદનાર અને વેચાનાર વચ્ચે નાણાં ચૂકવણીના કરાર અને શરતો નક્કી થઈ જાય છે. જે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ બન્નેએ હીરા વેચનાર બન્ને વેપારીને ચુકવવાના થતાં નાણાં ચૂકવ્યા ન હતા અને બન્નેએ ચૂકવણીને લઈ ગલ્લા-તલ્લાં શરૂ કર્યા હતા. આ મામલો ડાયમંડ એસો. સમક્ષ આવતાં બન્ને બનાવમાં બન્ને લાગતા વળગતાંનો સંપર્ક કરી વિવાદ થાળે પાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, બન્ને કિસ્સામાં હીરા લેનાર બન્ને વ્યકિતઓ દ્વારા હજુ સુધી નાણાં ચૂકવવામાં આવ્યા ન હતા. આ પણ અધુરૂં હોય તેમ બન્નેનો હાલ સંપર્ક પણ થઈ શકતો ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

પ્રમુખે વિગતો આપતાં ઉમેર્યું કે, બન્ને વિરૂદ્ધ અનુક્રમે ગત તા.૨૨ સપ્ટેમ્બર અને ગત તા.૨૫ સપ્ટેમ્બરના રોજ છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની કલમ અન્વયે ગુન્હો નોંધવાની માંગ સાથે ડાયમંડ એસો.ને સાથે રાખી અરજદાર વેપારીઓએ નિલમબાગ પોલીસને અરજી આપી હતી. જો કે, બન્ને અરજીને ૧૦ દિવસથી વધુ સમય પૂર્ણ થવા છતાં તેમની વિરૂદ્ધ કાર્યવાહી થઈ નથી. ત્યારે, આ મામલે જિલ્લા પોલીસ વડાને પણ રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી છે. હીરાબજારમાં વેપારીઓને વિશ્વાસમાં લઈ તેમને છેતરવાના વધતાં બનાવને અટકાવવા આવા કિસ્સામાં તાકિદે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી માંગ પણ તેમણે ઉચ્ચારી છે. જયારે, આ ઘટના વાયૂવેગે બજારમાં ફેલતાં બન્ને ફૂલેકું ફેરવી હવામાં ઓગળી ગયાની ચર્ચાએ જોર પકડયું છે. ં   

એક વેપારીએ બાકી રકમનો ચેક આપ્યો, બાદમાં ચેકબુક ખોવાઈ ગયાની નોટિસ ઈસ્યુ કરી 

હીરાબજારમાં બે વ્યકિત દ્વારા હીરા ખરીદ્યા બાદ નાણાં ન ચૂકવવાના મામલે ઘણાં છૂપા રહસ્યો બહાર આવી રહ્યા છે. જેમાં બે પૈકી એક વેપારીએ હીરા ખરીદ્યા બાદ નાણાં ચૂકવવા અસમર્થ હોવાનું કહી ડાયમંડ એસો. પાસે મધ્યસ્થી બની રસ્તો કાઠી દેવા માંગ કરી હતી. જેના પગલે યોજાયેલી બેઠકમાં વેપારીએ બેઠકમાં નક્કી થયા મુજબની રકમનો ચેક પણ આપ્યો હતો. પરંતુ, ચેક જમા કરાવવાની તારીખ નજીક આવે તે પૂર્વે જ તેમણે નોટિસ ઈસ્યુ કરી ઉક્ત ચેક નંબર સાથેની ચેકબુક જ ખોવાઈ ગયાનું જાહેર કરી સ્વબચાવની તક ઉભી કરી હોવાનું ડાયમંડ એસો.ના પ્રમુખે વિગતો આપતાં જણાવ્યું હતું. 

અરજીની તપાસ શરૂ છે, પૂરાવા એકત્રિત થયે કાર્યવાહી થશેઃ એસપી 

હીરાબજારમાં બે વ્યકિત દ્વારા હીરાની ખરીદી કર્યા બાદ સમયમાર્યાદમાં નાણાં ન ચૂકવી બે વેપારીઓ સાથે છેતરપિંડી કર્યાની બે અલગ-અલગ અરજી પોલીસને મળી હોવાનું જિલ્લા પોલીસ વડાડૉ. હર્ષદ પટેલે  જણાવ્યું હતું. તેમણે કહ્યું કે,  બનાવને લઈ તપાસ શરૂ છે, અરજીમાં દર્શાવ્યાનુંસારના પૂરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જેમાં તથ્ય જણાયે જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.


Google NewsGoogle News