ઘી કાંટા રોડ પર ગીફટ આર્ટીકલના પતરાના ગોડાઉનમાં ભીષણ આગ

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
ઘી કાંટા રોડ પર ગીફટ આર્ટીકલના પતરાના  ગોડાઉનમાં ભીષણ આગ 1 - image


ચાર કલાક પાણીનો મારો ચલાવાયા બાદ આગ કાબુમાં આવી

સાંકડી શેરી-ગલીઓ હોવાથી અંદર ફાયર ફાઈટર પણ ન લઈ જઈ શકાય તેવી  સ્થિતિ વચ્ચે મહામહેનતે આગ બુઝાવાઈ

રાજકોટ :  ઘી કાંટા રોડ પર આવેલા ભાભા બજારમાં સ્થિત કોમ્પ્લેક્ષના ત્રીજા માળે પતરાથી બનાવાયેલા ગીફટ આર્ટીકલના ગોડાઉન કમ સ્ટોરેજમાં આજે સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આસપાસના સમગ્ર વિસ્તારમાં સાંકડી શેરી-ગલીઓ હોવાથી ફાયર ફાઈટર પણ પહોંચી શકે તેમ ન હતા. આ સ્થિતિમાં ફાયર બ્રિગેડના સ્ટાફે આગ બુઝાવવામાં ખુબ જ જહેમત  ઉઠાવી પડી હતી.

આગ લાગ્યાની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ પાંચ ફાયર ફાઈટર સાથે સ્થળ પર દોડી ગયો હતો. જોકે વિસ્તાર ગીચ હોવાથી ફાયર ફાઈટર અંદર જઈ શકે તેમ ન હતા. જેના કારણે ફાયર બ્રિગેડના સ્ટાફે મીની ફાયર ફાઈટર મંગાવવા પડયા હતા. જોકે તે પણ સંપૂર્ણ રીતે અંદર જઈ શકે તેવી સ્થિતિ ન હતી.

જેને કારણે ફાયર બ્રિગેડના સ્ટાફે મહામુસીબતે પાઈપની મદદથી આગ બુઝાવવાનું શરૃ કર્યું હતું. વળી આગ ત્રીજા માળે લાગી હોવાથી ત્યાં સુધી પાણીનો મારો ચલાવવામાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. ચારેક કલાક સુધી પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડના સ્ટાફે આગ સંપૂર્ણપણે બુઝાવી નાખી હતી. ગોડાઉનના માલીક દુષ્યંતભાઈ મહેતા હોવાનું અને તેણે ગોડાઉન ભાડે આપ્યાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું. ગોડાઉન માલીક અને ભાડુઆતો સ્થળ પર હાજર હતા.

ગોડાઉનમાં ફાયર સિસ્ટમ પણ હતી જેની મદદથી શરૃઆતમાં સ્થાનિક લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ ભીષણ હોવાથી ફાયર સિસ્ટમ ટૂંકી પડી હતી. જેને કારણે ફાયર બ્રિગેડને બોલાવવું પડયું હતું.

ગોડાઉનમાં ફાયર સિસ્ટમ ભલે હોય પરંતુ ફાયર એનઓસી ન હતી તેમ પણ ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું. આગના પગલે પોલીસ અને પીજીવીસીએલનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. બેડીપરા ઉપરાંત રેલનગર અને કાલાવડ રોડ પરના ફાયર સ્ટેશન પરથી ફાયર ફાઈટર મંગાવાયા હતા.


Google NewsGoogle News