રાજુલામાં 7 વર્ષની બાળકીનું અપહરણ કરનાર શખ્સ પકડાયો

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
રાજુલામાં 7 વર્ષની બાળકીનું અપહરણ કરનાર શખ્સ પકડાયો 1 - image


- જેજાદ ગામનો માનસિક વિકૃત શખ્સે અગાઉ પણ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું

- આજીવન કેદની સજા ભોગવતો આરોપી જેલમાંથી પેરોલ રજા લઈ ફરાર હતો, સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદ લઈ અપહૃત બાળકીનો પોલીસે છુટકારો કરાવ્યો

રાજુલા : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામે રહેતો અને માસૂમ બાળકીઓનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર માનસિક વિકૃત શખ્સને બાળકીના અપહરણના કેસમાં પોલીસે ઝડપી લઈ અપહૃત બાળાનો છુટકારો કરાવ્યો હતો. ગુનાહિત માનસ ધરાવતો આ શખ્સ રાજકોટ જેલામાં આજીવન કેદની સજા ભોગવતો હોય, ત્યાંથી પણ પેરોલ રજા મેળવી નાસતો-ફરતો હતો.

ચકચાર મચાવનારી ઘટનાની મળતી વિગત અનુસાર રાજુલા પંથકમાંથી એક સાત વર્ષની બાળકીનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી લઈ ગયાની ઘટના રાજુલા પોલીસમાં નોંધાઈ હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજુલા પીઆઈ આઈ.જે. ગીડાએ સર્વેલન્સ સ્કોડ અને અલગ-અલગ ટીમો બનાવી અપહરણકર્તાને દબોચી લેવા અને અપહૃત બાળકીને મુક્ત કરાવવા તપાસનો ધમધમાટ આદર્યો હતો. જેમાં પોલીસે શહેરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ઉપરાંત હ્યુમન સોર્સની મદદ લઈ અપહરણકર્તા શખ્સની ભાળ મેળવી ગણતરીની કલાકોમાં જ જીતુ ઉર્ફે રાહુ રવજીભાઈ ગોહિલ (ઉ.વ.૩૪, રહે, જેજાદ, તા.સાવરકુંડલા)ની ધરપકડ કરી બાળકીનો છુટકારો કરાવ્યો હતો.

વધુમાં ઝડપાયેલા શખ્સ સામે અગાઉ વંડા પોલીસ સ્ટેશનમાં સગીરવયની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાનો ગુનો દાખલ થયો છે. આ ઉપરાંત રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો આરોપી જીતુ ઉર્ફે રાહુએ ગત તા.૨૨-૧૨-૨૦૨૩થી તા.૦૧-૦૧-૨૦૨૪ સુધી ૧૦ દિવસની પેરોલ રજા લઈ જેલમુક્ત થયો હતો અને ત્યારબાદ જેલમાં હાજર થવાના બદલે આરોપી નાસતો-ફરતો હતો.

વેફર અને ચોકલેટ આપી બદકામ કરવા અપહરણ કરવાની એમ.ઓ.

હવસખોરીની માનસિક વિકૃતિ ધરાવતો જીતુ ઉર્ફે રાહુ ગોહિલ નામનો ઢગો તેની દીકરીઓની વયના માસૂમ બાળાઓને એકલતાનો લાભ લઈ વેફર અને ચોકલેટ અપાવી બદકામ કરવાના ઈરાદે બાળકીઓનું અપહરણ કરવાની એમ.ઓ.-ટેવ ધરાવતો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.


Google NewsGoogle News