ત્રાપજ નજીક દારૂ-બિયર ભરેલા પીકઅપ સાથે એક શખ્સ પકડાયો
- અયાવેજના કુખ્યાત બુટલેગરોને દારૂ-બિયરનો જથ્થો આપવા જઈ રહ્યો હતો
- સિહોર, અયાવેજના બુટલેગરો સહિત 6 શખ્સ સામે ગુનો દાખલ, પોલીસે દારૂની 852 બોટલ, બિયરના 168 ટીન, બોલેરા, મોબાઈલ ફોન મળી 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ તળાજાના ત્રાપજ ગામ નજીક આવેલ બાયપાસ બ્રિજ પાસેથી એક બોલેરો વાહનમાં વિલાયતી દારૂનો મસમોટો જથ્થો આવી રહ્યાની ચોક્કસ બાતમીના આધારે અલંગ પોલીસે વોચમાં રહીને ત્રાપજ તરફથી આવી રહેલ સફેદ કલરનું બોલેરો મેક્સ પીકઅપ વાહન નં.જીજે.૦૪.એડબલ્યુ.૯૩૦૫ને રોકી તપાસ કરતા પીકઅપમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૮૫૨ બોટલ (કિ.રૂા.૨,૮૬,૩૨૦), બિયરના ટીન નંગ ૧૬૮ (કિ.રૂા.૧૬,૮૦૦) મળી આવતા પોલીસે વિદેશી દારૂ-બિયરનો જથ્થો, બોલેરો પીકઅપ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂા.૯,૦૮,૧૨૦ના મુદ્દામાલ સાથે બોલેરોના ચાલક દીપક માધાભાઈ બારૈયા (રહે, નવા રતનપર, તા.ભાવનગર)ની ધરપકડ કરી આગવીઢબે પૂછતાછ કરતા સિહોરમાં રહેતો ભાવેશ ઉર્ફે બાવલો જેઠાભાઈ ચાવડા અને મુકેશ ઉર્ફે મુન્નો ઉર્ફે ઢેકાળો રમણિકભાઈ સોલંકી નામના બુટલેગરોએ બોલેરો પીકઅપ આપી ત્રાપજ મોકલ્યો હતો અને ત્યાં એક વ્યક્તિ વાહનમાં દારૂનો જથ્થો ભરી આપશે. દારૂનો જથ્થો કાળુ જોધા ગોહિલ અને અજીત જોધા ગોહિલ (રહે, બન્ને અયાવેજ નં.૧, વાડી વિસ્તાર, તા.જેસર) નામના બુટલેગરોને પહોંચાડવાનું જણાવ્યું હતું. જેથી તે વાહન લઈ ધારડી ગામના પાટિયા પાસે જતાં એક અજાણ્યા શખ્સે દારૂ-બિયરનો જથ્થો ભરી આપ્યાની કબૂલાત આપી હતી.
જેના આધારે અલંગ પોલીસે ઝડપાયેલા શખ્સ દીપક માધાભાઈ બારૈયા ઉપરાંત ભાવેશ ઉર્ફે બાવલો જેઠાભાઈ ચાવડા, મુકેશ ઉર્ફે મુન્નો રમણિકભાઈ સોલંકી (રહે, બન્ને સિહોર), કાળુ જોધા ગોહિલ, અજીત જોધા ગોહિલ (રહે, આયાવેજ-૧, તા. જેસર) અને દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યા શખ્સ સામે પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.