બગદાણામાં મકાનમાંથી દારૂની 348 બોટલ સાથે શખ્સ પકડાયો
બગદાણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડયો
મકાનની ઓરડીમાં દારૂ છુપાવ્યો હતો, બગદાણાનો એક શખ્સ ફરાર
ભાવનગર: મહુવા તાલુકાના બગદાણા ગામે રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી ઓરડીમાં છુપાવેલી વિદેશી દારૂની નાની-મોટી ૩૪૮ બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે એક શખ્સ ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવાના બગદાણા ગામે કળમોદર રોડ પર આવેલ જૂના સરકારી દવાખાના પાસે રહેતો રામજી રૈયાભાઈ ગોહિલ અને પ્રવીણ પોપટભાઈ બાંભણિયા નામના શખ્સો રામજી ગોહિલના મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખી તેની હેરફેર કરતા હોવાની મળેલી ચોક્કસ બાતમીના આધારે બગદાણા પોલીસે મોડીરાત્રિના સમયે રામજી ગોહિલના મકાનમાં દરોડો પાડી તલાશી લેતા મકાનના ફળિયામાં આવેલ ઓરડીમાં છુપાવેલી વિદેશી દારૂની મોટી બોટલ નં.૧૦૮ અને ચપટાં નં.૨૪૦ મળી કુલ ૩૫૮ બોટલ મળી આવતા પોલીસે રામજી ગોહિલની ધરપકડ કરી હતી. જ્યારે પ્રવીણ બાંભણિયા નામનો શખ્સ નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે બન્ને બુટલેગર સામે પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.