નવાપરાના રીક્ષાચાલક પર શખસનું પિસ્તોલથી ફાયરીંગ

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
નવાપરાના રીક્ષાચાલક પર શખસનું પિસ્તોલથી ફાયરીંગ 1 - image


શહેરની સર ટી. હોસ્પિટલમાં મોડી રાત્રીના સુમારે બનાવ

સદનસીબે યુવકના ભાઈએ પિસ્તોલ પકડી લેતા બચાવ ઃ જૂની માણેકવાડીના શખસ વિરૂદ્ધ ગુનો દાખલ

ભાવનગર: શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવક પર શહેરની સર ટી. હોસ્પિટલમાં મોડી રાત્રીના સુમારે પિસ્તોલથી ફાયરીંગ થતા ખળભળાટ મચી ગયો હતો. જોકે, સદનસીબે એ વખતે હાજર યુવકના ભાઈએ પિસ્તોલ પકડી લેતા રીક્ષાચાલકનો આબાદ બચાવ થયો હતો. આ અંગે પોલીસ દ્વારા જૂની માણેકવાડીના શખસ વિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાવ પ્રેમસંબંધના મામલે બન્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. 

બનાવની મળતી વિગતો મુજબ શહેરના નવાપરા વિસ્તારમાં ઘોઘાની નાની સડક પાસે રહેતા અને રીક્ષા ચલાવવાનો વ્યવસાય કરતા જાહીદ ઉર્ફે મુન્નો રહિમભાઈ સૈયદ (ઉ.વ.૩૮)એ જૂની માણેકવાડીમાં રહેતા ઈર્શાદ ઉર્ફે પિન્ટુ સરકાર સતારભાઈ શેખ વિરૂદ્ધ અહીંના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, પોતાના પત્ની શહેનાઝબહેનને માથામાં ઈજા થઈ હોવાની અને તેમને સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા હોવાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા થતા પોતે પોતાના ભાઈને વાત કરી હતી અને પોતે રાત્રે ૨.૨૦ વાગ્યે સર ટી. હોસ્પિટલ પહોંચ્યા હતા. 

દરમિયાનમાં, સર ટી. હોસ્પિટલમાં ઈર્શાદ ઉર્ફે પિન્ટુ તથા તેનો મિત્ર ટુ વ્હીલર લઈને આવ્યા હતા ત્યારે પોતે તેમને સાદ કરીને બોલાવ્યા હતા. આથી તે પોતાની પાસે આવેલ અને અપશબ્દો કહેવા લાગેલ. જેથી બોલાચાલી થતા ઝપાઝપી થઈ હતી. બાદમાં, રાત્રીના ૨.૪૦ વાગ્યે તેણે તેની કમરના ભાગેથી પિસ્તોલ કાઢી તેનાથી પોતાના પર મારી નાખવાના ઈરાદે ફાયરીંગ કરવા જતા પોતાના ભાઈએ તે પિસ્તોલ પકડી લેતા પોતાના પગ પાસે જમીનમાં આરસીસી રોડમાં એક રાઉન્ડ ફાયર થયેલ હતો. આમ, આ બનાવમાં પોતાને કોઈ ઈજા થયેલ નહતી. ફાયરીંગનો અવાજ આવતા માણસો જોવા લાગતા ઈર્શાદ તથા તેની સાથે આવેલ તેનો મિત્ર બંને પોસ્ટ મોર્ટમ રૂમ તરફ નાસી છૂટયા હતા. 

બનાવ અંગે નિલમબાગ પોલીસે ઈર્શાદ ઉર્ફે પિન્ટુ સરકાર સતારભાઈ શેખ વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૦૭, હથિયાર ધારાની કલમ ૨૫(૧)(એ), ૨૫(૧)(બી), ૨૭(૨) તથા જી.પી.એ. ૧૩૫ અન્વયે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.  

ભાવનગરની સરકારી હોસ્પિટલમાં આ પ્રકારે થયેલ સરાજાહેર ફાયરીંગનો બનાવ દર્શાવે છે કે, પોલીસની ફડક ગુન્હેગારોમાં રહી નથી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.


Google NewsGoogle News