ગૃહકલેશમાં નંદુરબારના શ્રમિક દંપતીએ વખ ધોળી જીવન ટૂંકાવ્યું

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
ગૃહકલેશમાં નંદુરબારના શ્રમિક દંપતીએ વખ ધોળી જીવન ટૂંકાવ્યું 1 - image


ઊના તાલુકાના ઝુડવડલી ગામની ઘટના

છેલ્લા પાંચેક વર્ષથી એક વાડી માલિકને ત્યાં ખેતમજૂરી કરતા હતાપતિ- પત્ની વચ્ચે ઝગડા બાદ અંતિમ પગલું

ઊના :  ઊના તાલુકાના ઝુડવડલી ગામે એક વાડી માલિકને ત્યાં ખેત મજૂરી કરતા શ્રમિક દંપતીએ વખ ધોળી જીવન ટૂંકાવી લેતા અરેરાટી પ્રસરી હતી. ગૃહ ક્લેશને લીધે આત્મઘાતી પગલું ભરી લીધાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઊના તાલુકાના ઝુડવડલીની સીમમાં વિજયભાઈ બાબાભાઈ વરસાણીની વાડી આવેલી છે. તેમની વાડીએ મહારાષ્ટ્રના નંદુરબાર ગામના નિતેશભાઈ રતિભાઈ(ઉ.વ.૨૫) અને તેમના પત્ની હિનાબેન(ઉ.વ.૨૮) છેલ્લા પાંચેક વર્ષથી ખેત મજૂરી કામ કરી રહ્યા હોવાથી ત્યાં વાડીએ જ રહે છે. દરમ્યાન ગત તા.૧૭ના પતિ-પત્ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતા રાત્રિના સમયે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

સ્થાનિક મજૂરો પાસેથી પણ પતિ- પત્ની વચ્ચે ઝઘડો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આસપાસમાં જ મજૂરી કામ કરતા તેના સગા સંબંધીઓને સવારે જાણ થતાં દોડી આવ્યા હતા. પોલીસ પણ આ ઘટનાને પગલે સ્થળ પર પહોંચી ગઈ હતી. બંનેને ઊના સરકારી હોસ્પિટલે લાવવામાં આવતા ફરજ પરના ડોકટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. અહીંયા મજૂરી કામ કરતા સગા-સંબંધીઓએ બંનેના મૃતદેહના પીએમ કરાવવાનો ઈન્કાર કરી દીધા બાદ  પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. બંને પતિ-પત્નીના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતન લઈ જવાશે તેમ પોલીસે જણાવ્યું હતું.


Google NewsGoogle News