મહુવાના કુબેરબાગમાં ગંદકીનું સામ્રાજ્ય, લુખ્ખા તત્ત્વોનો અડ્ડો
- બાગની ફરતે લારી-ગલ્લાના દબાણો છતાં તંત્રના આંખ આડા કાન
- નગરપાલિકા તંત્ર દ્વારા સાફસફાઈ કરી રમત-ગમતના સાધનો મુકવા જરૂરી
મહુવા શહેરમાં દિન-પ્રતિદિન વસતી અને વિસ્તાર વધવા લાગ્યો છે અને નેશનલ હાઈવે સુધી રહેણાંકી વિસ્તાર વધતો જાય છે, ત્યારે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો મહુવામાં બાળકોના મનોરંજન અને રમત રમવા માટે એક માત્ર ગાંધીબાગ જ રહ્યો છે. કેમ કે, કુબેરબાગની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. કુબેરબાગની ફરતે જ્યાં જુઓ ત્યાં લારી-ગલ્લાઓના દબાણ ખડકી દેવામાં આવ્યા છે. આ દબાણ ોના કારણે કુબેરબાગની અંદર જવા માટે માર્ગ પણ દેખાતો નથી. વધુમાં સાફસફાઈના અભાવે બાગની અંદર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો રાત પડે એટલે કુબેરબાગમાં આવારા-લુખ્ખા તત્ત્વોનો ત્રાસ વધી જાય છે. ત્યારે મહુવા નગરપાલિકા દ્વારા કુબેરબાગ ફરતે ખડકાયેલ ગેરકાયદે દબાણો હટાવી, બગીચાની સફાઈ કરવામાં આવે અને રમતના સાધનો મૂકવામાં આવે તો મહુવાવાસીઓને હરવા-ફરવા માટેનું સ્થળ મળી રહેે તેમ છે.
બાગમાં દારૂ મહેફીલો છતાં પોલીસની કોઈ કાર્યવાહી નહીં
કુબેરબાગની અંદર જ્યાં જુઓ ત્યાં દેશી દારૂની ખાલી કોથળી અને બોટલો જોતા એટલું તો ચોક્કસ પણે કહીં શકાય કે, આ બાગ દારૂડિયાઓ માટે બાર બની ગયો છે. નશો કરતા લોકો અહીં બિંદાસ્ત દારૂની મહેફીલો માણતા હોય છે, તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. દારૂડિયાઓ માટે અડ્ડો બની ચુકેલા કુબેરબાગને દારૂડિયા મુક્ત કરવા મહુવા પોલીસે સરપ્રાઈઝ ચેકીંગ-દરોડા કરશે ખરી ? તેવો પણ સવાલ લોકોમાં ઉભો થયો છે.