Get The App

એકબાજુ કાળઝાળ ગરમી અને બીજી બાજુ સતત લો વોલ્ટેજને લઈને બરવાળા ત્રાહિમામ

Updated: May 31st, 2024


Google NewsGoogle News
એકબાજુ કાળઝાળ ગરમી અને બીજી બાજુ સતત લો વોલ્ટેજને લઈને બરવાળા ત્રાહિમામ 1 - image


- તંત્રની માનવતાવિહોણી મનસ્વી કાર્યપધ્ધતિની લોકોમાં આકરી ટીકા 

- શહેરના વિવિધ શેરી, મહોલ્લાઓમાં છાસવારે વિદ્યૃત ઉપકરણો બળી જવાની રોજીંદી રામાયણ

બરવાળા : પી.જી.વી.સી.એલ.ના સત્તાધીશો દ્વારા ભર ઉનાળે બરવાળા પંથકને જાણે કે, બાનમાં લીધુ હોય તેમ ૪૬ આસપાસની ડીગ્રીના અત્યંત કઠિન સમયમાં પણ દિવસ દરમિયાન મનસ્વી રીતે લો વોલ્ટેજ ઝીંકાતો હોય લોકો હવે તો રીતસરના ગળે આવી ગયા છે. તંત્રની માનવતાવિહોણી કાર્ય પધ્ધતિથી ત્રાહિમામ પોકારી ગયેલા બરવાળાવાસીઓ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનના મંડાણ કરવાની ચિમકી ઉચ્ચારાઈ છે. 

બરવાળા પંથકમાં કાળઝાળ બનેલા ઉનાળામાં સતત અપાતા લો વોલ્ટેજના કારણે પ્રજાજનો ત્રાહિમામ પોકારી ગયા છે.એટલુ જ નહિ આ રોજીંદી સમસ્યાને લઈને વેપાર ધંધા બંધ રાખવા પડે તેવી નોબત આવી પડેલ છે. વીજતંત્રને છેલ્લા ત્રણ વર્ષથી ફરિયાદ કરવા છતાં પણ સત્તાધીશોના પેટનું પાણી પણ હલતુ નથી. નીયમીત વીજબીલ ભરવા છતાં રોજીંદા વિજધાંધીયાના કારણે વેપારીઓને મને કમને ધંધા રોજગાર બંધ રાખવાની ફરજ પડતી હોય તેઓને વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકશાની વેઠવી પડે છે. છેલ્લા ત્રણેક વર્ષથી દરરોજ દિવસ દરમિયાન છાસવારે લો વોલ્ટેજના કારણે બરવાળા શહેરમાં આવેલા ગઢની અંદરના પાટશેરી, પંડયા શેરી, મસ્જિદવાળી શેરી, ભાવસાર ચોક, વાગડીયા શેરી, સલાળીયા શેરી, મોઢ શેરી અને કુંડળ દરવાજા વગેરે વિસ્તારોના રહિશોના મોંઘા ભાવના ફ્રીજ, એસી., કોમ્પ્યુટર અને પંખા સહિતના વિદ્યૃત ઉપકરણો બળી જવાના કે યાંત્રિક ક્ષતિઓ સર્જાવાના બનાવો વધી રહ્યા છે.  દરમિયાન આ વર્ષે સૂર્યનારાયણે એકાએક રોદ્ર સ્વરૂપ ધારણ કરતા બરવાળામાં આબાલવૃધ્ધ સૌ કોઈ એકબાજુ અંગ દઝાડતી ગરમી અને બીજી બાજુ ગરમીના માહોલમાં પણ દિન પ્રતિદિન વધી રહેલા વિજધાંધીયાથી ત્રાસી ગયા છે. ખાસ કરીને સિનીયર સિટીઝન અને બીમાર લોકોને ગરમી અને વીજધાંધીયા વચ્ચે કેમ સાચવવા તે બાબતે તેમના પરિવારજનો કફોડી હાલતમાં મુકાઈ જાય છે બપોર પડતાની સાથે જ બરવાળાની બજારોમાં સ્વયંભૂ કર્ફયુનો બંધનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરોકત વિસ્તારોમાં ભારે લો વોલ્ટેજના કારણે પંખાઓ પણ ફરતા બંધ જાય છે, એસી તો ઉપડતા જ નથી. પી.જી.વી.સી.એલ.ના પાપે લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. વીજધાંધીયાની રોજીંદી રામાયણને લઈને લોકોની વારંવાર ફરીયાદો કરાતી હોવા છતાં ટીમ સ્થળ મુલાકાત લઈને ઉડાઉ જવાબ આપીને જતા રહે છે. બાદ કોઈ નકકર કાર્યવાહી થતી ન હોવાના કારણે હવે લોકોની ધીરજ ખુટી ગઈ છે. વીજધાંધીયાને લઈને ઉશ્કેરાયેલા લોકો હવે તાળાબંધી સહિતના ઉગ્ર આંદોલનના આક્રમક મૂડમાં આવી ગયા છે. 

નવુ ટ્રાન્સફોર્મર મુકવામાં અખાડા

છેલ્લા ત્રણ મહિનાથી લો-વોલ્ટેજની સમસ્યાના કાયમી નિરાકરણ માટે નવા ટી.સી. મુકવા માટે કોઈ આયોજન કરાતુ નથી. તંત્ર દ્વારા જરૂરીયાત વધવા છતા નવુ ટ્રાન્સફોર્મર મુકવામાં કોઈ અકળ કારણસર અખાડા કરાઈ રહ્યા હોય ગ્રાહકોમાં તંત્રની કાર્યપધ્ધતિની આકરી ટીકાઓ થઈ રહેલ છે. 


Google NewsGoogle News