Get The App

સિહોરથી ઘાંઘળી રોડ ઉપર મસમોટા ખાડાના કારણે અકસ્માતને આમંત્રણ

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
સિહોરથી ઘાંઘળી રોડ ઉપર મસમોટા ખાડાના કારણે અકસ્માતને આમંત્રણ 1 - image


- ગામડાના રસ્તાઓને પણ સારા કહેડાવે તેવી હાલત

- થોડા સમય પૂર્વે એક યુવકે જીવ પણ ગુમાવ્યો હતો : અનેક વખત રજૂઆત કરવા છતાં અંધેર નગરી ને ગંડુ રાજા જેવું તંત્રનું વલણ 

સિહોર : સિહોરથી ઘાંઘળી સુધીનો છ કિ.મી.ના રસ્તા પર મસમોટા ખાડા પડી જવાના કારણે આ રસ્તો કાયમી અકસ્માતને આમંત્રણ આપે તેવી હાલતમાં બની ગયો છે. ગામડાના રસ્તાઓને પણ સારા કહેડાવે તેવી રસ્તાની હાલત થઈ ગઈ છે. જે મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં અંધેર નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા જેવું તંત્રનું વલણ રહ્યું છે. જેના કારણે વાહનચાલકોને કાયમી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સિહોર-ઘાંઘળી રોડની હાલત એટલી હદે બિસ્માર બની ગઈ છે કે, ઠેક-ઠેકાણે બે-ત્રણ ફૂટ જેટલા મોટા ખાડા પડી ગયા છે. છથી સાત કિ.મી. લાંબા આ રસ્તા પર ડામરનું નામ-નિશાન રહ્યું ન હોવાથી ધૂળના ગોટા ઉડતા રહે છે. અમદાવાદ, ઘાંઘળી, વલ્લભીપુર અને નાના ગામડામાં જવા માટે વાહનચાલકો-લોકો આ રોડનો ઉપયોગ કરે છે. જેના કારણે ૨૪ કલાક રસ્તો ધમધમતો રહે છે. વળી સિહોર શહેરની બે જીઆઈડીસી પણ આ જ રસ્તે આવેલી છે. જેથી મોટા વાહનોની પણ અવર-જવર કાયમી હોય છે. ધૂળની ડમરી ઉડતી હોવાથી વડિયા, ઉસરડ, ઘાંઘળી, નેસડા જેવા અનેક ગામોના લોકોને પારાવર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજુબાજુના ગામોના લોકો હટાણાં, ધંધા-રોજગાર, મજૂરવર્ગ, રત્નકલાકારો માટે અહીંથી જ પસાર થાય છે. તેમજ રોડની ખખડધજ હાલતને કારણે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે જતાં પ્રસુતિ મહિલાઓ કે ગંભીર હાલતમાં રહેલા દર્દીઓના જીવ ઉપર જોખમ ઉભું થાય છે.

આ રોડ ઉપરનો પડ સાવ ઉખડી ગયો છે, રોડ નીચે બેસી ગયો છે. લોડિંગ વાહનોના કારણે મોટા ખાડા પડી ગયા હોવાના કારણે વાહન ચલાવવું જોખમી સાબિત થાય છે. અગાઉ સિહોરથી ઘાંઘળી પહોંચતા ૮-૧૦ મિનિટ થતી હવે ૬ કિ.મી.નું અંતર કાપવા ૩૫થી ૪૦ મિનિટ જેવો સમય લાગે છે. અહીંથી સરકારી વાહનો પણ પસાર થાય છે, તેમ છતાં તગડો પગાર લેતા અધિકારીઓની આંખ ઉઘડતી નથી. બિસ્માર રોડના કારણે થોડા સમય પૂર્વે એક યુવકે જીવ પણ ગુમાવ્યો હતો. તેમજ તંત્રની બેદરકારીને કારણે લોકોના જીવ જોખમાય રહ્યા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન દેવામાં આવતું ન હોય, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઊંટ સવારીનો અનુભવ કરાતા રોડનું રિપેરીંગ કે નવીનિકરણનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.


Google NewsGoogle News