બરવાળામાં ગટરના પાણી રસ્તા પર વહેતા નર્કાગાર જેવી સ્થિતિ
- ભરવાડવાસના રહિશોએ અનેક વખત રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય
- આ વિસ્તારના ચૂંટાયેલા સભ્ય અઢી વર્ષ સુધી પ્રમુખ રહ્યા છતાં વિકાસથી વંચિત, અડધા વિસ્તારમાં બ્લોક પણ નથી નાંખવામાં આવ્યા
બરવાળાના શાસકો કોઈને સાંભળતા નથી અને કામ કરતા ન હોવાનો દાખલો ભરવાડવાસ વિસ્તાર બન્યો છે. સ્મશાન ગૃહ પાસે આવેલા ભરવાડવાસ પ્રત્યે તંત્ર દ્વારા ઓરમાયું વર્તન રાખી વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યો છે. આ વિસ્તાર છેલ્લા પાંચ માસથી કાદવ-કીચડ, ઉભરાતી ગટરની સમસ્યાથી ઘેરાયેલો છે, ગટરલાઈન લીકેજ લીકેજ થવાના કારણે ગટરના ગંદા પાણી રસ્તા પર વહેતા હોવાથી અત્યંત દુર્ગંધની સાથે મચ્છર-માખીઓનો ઉપદ્રવ કાયમી રહેતો હોય, સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી તો નગરપાલિકા તંત્ર દ્વારા બે દિવસમાં થઈ જશે તેવા ઉડાઉ જવાબ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અડધા વિસ્તારમાં બ્લોક નાંખવામાં આવ્યા નથી. જેના કારણે ગંદકી, ગંદવાડમાંથી લોકોને ચાલવું પડી રહ્યું છે. જેના કારણે છેવાડાના વિસ્તારના લોકોની હાલત નર્કાગાર જેવી બની ગઈ છે. જ્યારે જોવાની ખૂબી એ છે કે, આ જ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્ય ખૂદ અઢી વર્ષ સુધી પ્રમુખ રહ્યા છતાં આ વિસ્તાર વિકાસથી વંચિત છે, ત્યારે પ્રમુખે કદી પોતાના વોર્ડની મુલાકાત નહીં લીધી હોય ?, બરવાળાની સમસ્યાઓનું સમાધાન કોણ કરશે, જ્યાં વિકાસના દર્શન નથી થયા ત્યાં વિકાસ કોણ કરશે ? એવો સવાલ ઉભો થાય છે.