વિંછીયામાં GRD જવાનનું અપહરણ કરી પાંચ શખ્સોએ બેફામ માર માર્યો
અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી
કારમાં ઉઠાવી જઈ રબરના પટ્ટા અને લાકડીથી હુમલો કરનાર પાંચે'ય શખ્સો સામે નોંધાતો ગુનો
રાજકોટ: વિંછીયાના રૂપાવટી ગામે રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જી.આર.ડી. (ગ્રામ રક્ષક દળ)ના જવાન અનીલભાઈ નાગરભાઈ ગાંગડીયા (ઉં.વ.૨૭)નું વિંછીયામાંથી અપહરણ કરી માર્કેટીંગ યાર્ડની પાછળ કોટડા જવાના કાચા રસ્તે લઈ જઈ પાંચ શખ્સોએ ગાળો દઈ રબરના પટ્ટાથી માર મારી લાકડી વડે હુમલો કરી ઈજા કર્યાની વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
વંછીયા પોલીસે આ અંગે અનીલભાઈ ગાંગડીયાની ફરીયાદ પરથી કલ્પેશ રમેશભાઈ સાકળીયા, હિતેશ ચતુરભાઈ મકવાણા, વૈભવ સુરેશભાઈ સાકળીયા (રહે. ત્રણેય રૂપાવટી, તા. વિંછીયા), નિલેશ ગિરીશભાઈ વાઘેલા અને પ્રકાશ જેન્તીભાઈ રાજપરા (રહે.બન્ને વિંછીયા) સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ અનીલભાઈ ગઈકાલે બપોરે બાઈક લઈને વિંછીયાના મોઢુકા રોડ ઉપર એક દુકાને ડોક્યુમેન્ટ લેવા ગયા હતા ત્યારે ત્યાં આવેલા આરોપી કલ્પેશ અને હિતેશ 'તું બહાર નીકળ, તારે શેની હવા છે ?' કહી બોલાચાલી કરવા લાગ્યા હતા. બાદમાં કલ્પેશ આરોપી નિલેશ અને પ્રકાશને ફોન કરી બોલાવતા તે ત્યાં આવતા ચારેય ઝપાઝપી કરી તેનું અલ્ટો કારમાં અપહરણ કરી વિંછીયા માર્કેટીંગ યાર્ડ પાછળ કોટડા જવાના કાચા રસ્તે લઈ ગયા હતા. જ્યાં નિલેશ અને પ્રકાશે પકડી રાખી કલ્પેશે રબરના પટ્ટાથી માર માર્યો હતો. આ સમયે હિતેશ બુલેટ લઈને અને આરોપી વૈભવ બાઈક પર ત્યાં આવ્યા હતા. જેમણે ગાળો ભાંડી હતી. તેમજ નિલેશે લાકડીના બે ઘા ઝીંકી દેતા ઈજા થઈ હતી.
આ સમયે રહેતા કોટડા જીજ્ઞોશભાઈ ત્યાં આવી જતાં તેને છોડાવ્યો હતો. બાદમાં આરોપી નિલેશ અને પ્રકાશ તેને બુલેટમાં બેસાડી યાર્ડ પાસે ઉતારી ભાગી ગયા હતા. તેણે ફોન કરી મોટાભાઈને બોલાવતા તે ત્યાં આવ્યા હતા અને હોસ્પિટલે લઈ ગયા હતા.
અનીલને આરોપી કલ્પેશ સાથે અગાઉ 'સીન સપાટા કેમ કરશ, તારે આ બજારમાં ચાલવું નહીં અને ચબુતરે બેસવાનું નહીં' કહી બોલાચાલી થઈ હોય તેનો ખાર રાખી માર મરાયો હોવાનું ફરીયાદમાં જણાવાયું છે.