અમદાવાદમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાઇ
રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર નજીકથી એસઓજીએ દબોચી
સપ્લાયર તરીકે અમદાવાદની મહિલાનું નામ ખૂલ્યું, અગાઉ ત્રણથી ચાર ખેપમાં રાજકોટ ડ્રગ્સ સપ્લાય કરી ગઇ હતી
એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજાએ મળેલી બાતમીના આધારે
રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર ગામ જવાના જૂના રસ્તા પાસે અને એરપોર્ટ પોલીસની
ચેકપોસ્ટ નજીક ઉભેલી શ્વેતાને અટકાવી તેની પાસે રહેલા લીલા કલરના પર્સની તલાશી
લેતા અંદરથી ૫૮.૯૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
એસઓજીએ તેની કિંમત રૃા. ૫.૮૯ લાખ ગણી હતી. બે મોબાઈલ ફોન, પોકેટ વજન કાંટો, રૃા. ૫૦૦ રોકડા, પાન કાર્ડ વગેરે
મળી કુલ રૃા. ૬.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે
શ્વેતા અગાઉ ત્રણથી ચાર વખત રાજકોટમાં ડ્રગ્સ સપ્લાય કરી ગઇ હતી. જેને કારણે તે
ઘણા સમયથી રડારમાં હતી. આખરે આજે ઝપટે ચડી ગઇ હતી.
સપ્લાયર તરીકે અમદાવાદની જ એક મહિલાનું નામ ખૂલ્યું છે. જે પણ
ટૂંક સમયમાં પકડાઇ જાય તેવી શક્યતા છે. શ્વેતાના માતા-પિતા હયાત નથી.તેના લગ્ન થઇ ગયા
છે. પરંતુ બાદમાં છૂટાછેડા થઇ ગયા હતા. સંતાનમાં એક પુત્ર છે જે તેના પતિ સાથે રહે
છે. અગાઉ શ્વેતા રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ભાડે રહી ચૂકી છે. જેને કારણે રાજકોટથી
પરિચિત હતી. તે પોતે પણ માદક પદાર્થોની બંધાણી છે.
જો કે તેણે એવી સ્ટોરી જણાવી છે કે તેના નાનાને ફ્રેક્ચર
આવ્યું હોવાથી દવાખાનાનો ખર્ચ કાઢવા માટે ડ્રગ્સની ખેપ મારવા આવી હતી. પરંતુ તેની
આ સ્ટોરી એસઓજીને ગળે ઉતરી નથી. તે પોતાના મોજશોખ પૂરા કરવા અને ખર્ચા કાઢવા માટે
જ ડ્રગ્સની પેડલર બની ગયાનું એસઓજીને જણાઇ રહ્યું છે.
આ અંગે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. જેનો
સ્ટાફ હવે આગળની તપાસ કરશે. આજે શ્વેતા ખાનગી વાહનમાં અમદાવાદથી રાજકોટ આવવા નીકળી
હતી. બામણબોર પાસે ઉતરી બીજા કોઇ વાહનમાં રાજકોટ ડ્રગ્સ સપ્લાય કરવા આવવાની હતી.