ફલ્લા પાસે કાર અથડાતા ટ્રેક્ટરની ટ્રોલી પલ્ટી જવાથી યુવતીનું મોત; 17 ઘાયલ

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
ફલ્લા પાસે કાર અથડાતા ટ્રેક્ટરની ટ્રોલી પલ્ટી જવાથી યુવતીનું મોત; 17 ઘાયલ 1 - image


દ્વારકા જતા યાત્રિકોને નડયો અકસ્માત

જામનગર, ખંભાળિયા બાયપાસ અને સિક્કા રોડ પર ત્રણ અકસ્માતમાં દંપતી સહિત ૬ને ઇજા

જામનગર: જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં ટ્રેક્ટરમાં ટ્રોલીમાં બેઠેલા ૧૮ વ્યક્તિને ઇજા થઇ હતી. તે પૈકી  એક યુવતીનું ગંભીર ઈજા થવાથી કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એકની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. વાંકાનેર પંથકના યાત્રાળુઓ દ્વારકા દર્શનાર્થે ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા હતા, જે દરમિયાન ફલ્લા નજીક અકસ્માત નડયો હતો. જ્યારે જામનગર શહેર - ખંભાળિયા બાયપાસ રોડ તેમજ સિક્કા રોડ પર જુદા જુદા ત્રણ વાહન અકસ્માત સર્જાયા હતા, જેમાં એક, દંપત્તિ સહિત છ વ્યક્તિ ઘાયલ થઈ છે.

વાંકાનેર તાલુકાના ભીંગુડા ગામના ૧૮ જેટલા દર્શનાર્થીઓ કે જેઓ એક ટ્રેક્ટરમાં બેસીને આજે વહેલી સવારે વાંકાનેર થી દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓને ફલ્લા નજીક અકસ્માત થયો હતો, જેમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાથી ટ્રેક્ટરની ટ્રોલી ધડાકા અથડાઈને માર્ગ પર ઉંધી પડી ગઈ હતી. જેના કારણે મહિલાઓ સહિતના ૧૮ જેટલા યાત્રાળુઓને નાની મોટી ઈજા થઈ હતી, અને ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.

આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ તેમજ ૧૦૮ની ટુકડી દોડતી થઈ હતી, અને ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી કિરણબેન જયરાજભાઇ વીજાવડિયા(ઉ.વ.૧૮) ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું, જયારે એક બુઝુર્ગની હાલત ગંભીર ગણાવાઇ રહી છે, અને જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતના બનાવ અંગે ભીમગુડા ગામના કરસનભાઇ જુગાભાઇ વીજાવડિયાએ અકસ્માત કરનાર કારચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતના બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

જામનગરમાં હરિયા સ્કૂલ ઇન્દિરા માર્ગ પર ઉદયભાઇ રામભાઈ ગાગીયા (ઉં.વ.૨૭) નામના વેપારી પોતાના ભાગીદાર જગદીશભાઈ કાનાભાઈ સાથે બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન પુર ઝડપે આવી રહેલી કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં બંનેનેઈજા થઈ હોવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

જામનગર ખંભાળિયા હાઈ-વે પર જીવાપર ગામના વતની વેલજીભાઈ લાધાભાઇ પરમાર (ઉં.વ.૪૫) કે જેઓ પોતાના પત્નીને બાઈક પર બેસાડીને જઈ રહ્યા હતા, જે દરમિયાન ખંભાળિયા બાયપાસ ચોકડી પાસે આવી રહેલા ટ્રક ના ચાલકે ઠોકરે ચડાવી હડફેટમાં લેતા દંપત્તિને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે.

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા રોડ પર બાઈક લઈને યોગેશ જય દયાલ જાદવ અને તેનો મિત્ર અશોકસિંહ રામલખનસિંહ  પસાર થઈ રહ્યા હતા. દરમિયાન સામેથી આવી રહેલા એક ટ્રકના ચાલકે કારને ઠોકર મારી હતી અને ટ્રક અને કાર બંને રોગ સાઈડમાં આવીને બાઈક સાથે અથડાયા હતા. અકસ્માતમાં બાઈક સવાર બંને યુવાનો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા હતા. 


Google NewsGoogle News