Get The App

સફાઈના બહાને ચાર ઘરમાં જઈ ૩૪ લાખની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
સફાઈના બહાને ચાર ઘરમાં જઈ ૩૪ લાખની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ 1 - image


રાજકોટમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને

મૂળ રાજસ્થાનની ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ચાર સભ્યો ઝબ્બેમુદ્દામાલ રિકવર કરવા તજવીજ

રાજકોટ :  રાજકોટમાં આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને ચારેક મકાનોમાં સફાઈ કામના બહાને જઈ એકંદરે રૃા.૩૪ લાખની મત્તાની ચોરી કરનાર મૂળ રાજસ્થાનની ગેંગના ચાર સભ્યોને રાજકોટ તાલુકા પોલીસે ઝડપી લઈ મુદ્દામાલ રીકવર કરવા તજવીજ શરૃ કરી છે.

મૂળ રાજસ્થાનના પ્રભુ મીણા અને તેની ગેંગના બંસી સહિતના ચાર સભ્યોએ સાધુ વાસવાણી રોડ પર કોપર સ્ટોન એપાર્ટમેન્ટમાં સફાઈના બહાને જઈ રૃા.૧ર.૬૩ લાખ ચોરી લીધા હતા. જયારે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટનાં ફલેટમાં જઈ ત્યાંથી પણ સફાઈના બહાને રૃા.૧૪ લાખ ચોરી લીધા હતા.

આ ઉપરાંત બાલાજી હોલ પાસે બેકબોન પાર્ક શેરી નં.રમાં આવેલા મકાનમાંથી રૃા.૬૦ હજાર તથા શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં જ આવેલા કેતનભાઈ રમેશભાઈ કથીરીયાના ફલેટમાંથી રૃા.૭ લાખ ચોરી લીધા હતા. આ ચારેય ચોરી અંગે રાજકોટ તાલુકા પોલીસ અને ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

રાજકોટ તાલુકા પોલીસ મથકના પીઆઈ હરીપરાએ તપાસ જારી રાખી મુખ્ય સૂત્રધાર પ્રભુ મીણા તેના સાગરીત બંસી અને ગેંગના અન્ય બે સભ્યોને સકંજામાં લઈ ઘનિષ્ઠ પુછપરછ શરૃ કરી છે. આ ટોળકીએ ચાર સિવાયના કોઈ મકાનોમાં ચોરી કરી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું કે ઝડપાયેલી ટોળકી ચોરી કરેલા અમુક મકાનોમાં ગયા વર્ષે પણ સફાઈ કરવા ગઈ હતી. જોકે તે વખતે કોઈ ચોરી કર્યાની માહિતી મળી નથી. આ વખતે મોકો મળી જતાં ચાર-ચાર મકાનોમાં ચોરી કરી હતી. શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં વારાફરતી બે ફલેટમાંથી ચોરી કરી હતી.


Google NewsGoogle News