લગ્નવાંચ્છુઓને છેતરતી છ શખ્સોની ટોળકીનો પર્દાફાશ, ત્રણની ધરપકડ
સુત્રાપાડાના હરણાસાના યુવાન પાસે સવા લાખ લઈ લગ્ન કરાવ્યા હતા
એક વિધર્મી પરિણીતાએ બોગસ આધાર કાર્ડ બનાવી યુવક સાથે લગ્ન કર્યા બાદ ભાંડો ફૂટી ગયો, રાજકોટના દલાલ સહિત ત્રણની શોધખોળ ચાલુ
વેરાવળ: સૌરાષ્ટ્રમાં સ્ત્રી પુરૂષનો જેન્ડર રેશિયો વચ્ચે બહુ મોટો તફાવત રહેતા અનેક લગ્નવાંછુ યુવકો કુંવારા રહી જાય છે આની વચ્ચે સૌરાષ્ટ્રમાં લગ્ન કરાવી આપવાના નામે છેતરપિંડી કરતી ટોળકી પણ સક્રિય બની છે. તાજેતરમાં સુત્રાપાડાના હરણાસા ગામે લગ્ન થયા બાદ લૂંટેરી દુલ્હન નાસી જવાની ઘટના બાદ નોંધાયેલી ફરિયાદ બાદ ગીર સોમનાથ પોલીસે સક્રિય બની ૬ શખ્સોની ટોળકીનો પર્દાફાસ કરી નાંખ્યો છે આ ટોળકી પૈકી ત્રણનેે પકડી પાડયા છે. જયારે ત્રણ શખ્સને રાજકોટ જુનાગઢથી પકડવો બાકી છે.
વધુ વિગત મુજબ સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામે રહેતા અજયભાઈ કાનાભાઈ સોલંકીએ લગ્ન કરવા માટે સુત્રાપાડાના નરસિંગભાઈ ઓઘડભાઈ વાજાના માધ્યમથી દલાલોનો સંપર્ક કરીને એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. અને આ માટે રૂા.૧.૨૪ લાખ ચૂકવ્યા હતા. એ પછી આ યુવક ફસાયો હતો. અને કૌશરબાનુ અશરફ યુનુસ કાન્મી રહે.વાસદાએ ખોટુ નામ રિન્કલ અનીલભાઈ પંડયા ધારણ કરીને બોગસ આધારકાર્ડ સાથે લગ્ન કર્યા હતા. આ યુવતીની મદદગારીમાં રાજકોટનો રિયાઝ કરીમ મીરઝા, મુસ્કાનબેન ઉર્ફે સીમાબેન ખેમરાજ હરિપ્રસાદ જોશી દલાલ જુનાગઢ, નાગદેવ દીપક કુમાર હીરાલાલ રહે જુનાગઢ, વગેરેએ કૌશરના ખોટા આધારકાર્ડ પરથી ખોટા દસ્તાવેજ ઉભા કરી આ બધાની સાક્ષીએ લગ્ન કરી અમરેલી જિલ્લાના બાટવા દેવળી ગ્રામપંચાયતમાં લગ્ન નોંધણી કરાવી હતી. અને તમામ દલાલોએ સાક્ષી તરીકે સહી કરી હતી. આ લગ્ન થયા પછી કૌશરબાનુ હરણાસા ગામે દસ દિવસ સુધી રોકાઈ હતી અને એ પછી ફરાર થઈ ગઈ હતી.
આ ઘટના બનતા અજયે દલાલોને વાત કરી હતી આથી બધા એને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવા લાગ્યા હતા. અને આપેલા નાણા બાબતે કોઈ જ વાત કરતા ન હતા આખરે અજયે પોલીસમાં ફરિયાદ કરતા ગીર સોમનાથ એલસીબીએ બધા આરોપીઓનું પગેરૂ શોધીને દરોડા પાડતા ચાર હાથમાં આવી ગયા હતા અને બે ની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.