તળાજામાં લાખો રૂપિયાની છેતરપિંડી કેસમાં ફરાર માસ્ટર માઈન્ડ ઝડપાયો
પોલીસે બે દિવસ સિવિલ ડ્રેસમાં રેકી કર્યા બાદ ઉઠાવી લીધો
મુંબઈ અને સાઉથ સુધી ટેકનિકલ સોર્સ કામે લગાવ્યા, અંતે કચ્છ જિલ્લામાંથી પકડાયો
તળાજા: તળાજામાં લાખો રૂપિયાની છેતરપિંડીના કેસમાં બે વર્ષથી વધુ સમયથી ફરાર માસ્ટર માઈન્ડને પોલીસે કચ્છ જિલ્લામાંથી ઉઠાવી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર તળાજાના બાબરિયાત ગામના સંજય મુન્નાભાઈ સોલંકીએ બે વર્ષ પહેલા તળાજા પોલીસ મથકમાં મુન્ના જીલું બાટી, અશોક જોશી ઉર્ફે દીપક, રાજુ પટેલ અને એક અજાણ્યા શખ્સ સામે રૂા.૮.૫૦ લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ટોળકી ૧૦૦-૫૦૦ના દરની ચલણી નોટો સામે ૧૦ ટકા રકમ વધુઆી લોકોને વિશ્વાસમાં લેતા હતા. ત્યારબાદ લાખો રૂપિયા મેળવી ફરાર થઈ જતા હોય, જે-તે સમયે પોલીસે બે શખ્સને ઝબ્બે કર્યા હતા. જેની પૂછતાછમાં માસ્ટર માઈન્ડ કચ્છના અબડાસાના શિરૂવાંક ગામનો અબ્દુલ આદમ હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે ટેકનિકલ સોર્સની મદદ લઈ તપાસ કરતા શખ્સ મુંબઈ, સાઉથ ઈન્ડિયામાં ફરતો રહેતો હોવાનું ધ્યાને આવ્યું હતું. ઉપરાંત તળાજા પંથકના રઘુભાઈ અને અશોકભાઈ નામના વ્યક્તિ સાથે પણ ચિટિંગ કરી ૩૪ લાખનું કરી નાંખ્યાનું સામે આવ્યું હતું. તેમજ શખ્સ દક્ષિણ ગુજરાતમાં છેતરપિંડી આચરતો હતો. દરમિયાનમાં અબ્દુલ આદમ નામનો શખ્સ તેના ગામમાં હોવાની બાતમી મળતા તળાજા પોલીસે દોડી જઈ બે દિવસ સિવિલ ડ્રેસમાં સતત રેકી કરી શખ્સને ઝડપી લીધો હતો. પોલીસની તપાસમાં શખ્સ સામે આણંદ, સુરત અને ભરૂચ જિલ્લાઓમાં પણ ગુના દાખલ હોવાનું સામે આવ્યું છે.