Get The App

ફ્રૂટનો ધંધાર્થી 7 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
ફ્રૂટનો ધંધાર્થી 7 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો 1 - image


150 ફૂટ રિંગ રોડ પરના અર્જુન પાર્કમાં એસઓજીનો દરોડો

આરોપી ગાંજાની પડીકીનું પેકિંગ કરતો હતો ત્યારે જ એસઓજી ત્રાટકી, ગાંજો ક્યાંથી લઇ આવ્યો તે અંગે તપાસ

રાજકોટ: ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આરએમસી આવાસ યોજનાના ક્વાર્ટર પાસે અર્જુન પાર્કમાં રહેતા અતિક સલીમભાઇ મેતર (ઉ.વ.૩૦)ને એસઓજીએ તેના મકાનમાંથી ૭.૧૨૦ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લઇ તપાસ આગળ ધપાવી છે. આરોપી ફ્રૂટની લારી ચલાવે છે. દોઢ-બે  વર્ષથી ગાંજાનો વેપલો કરતો હોવાનું એસઓજીને જાણવા મળ્યું છે.

શહેરમાં માદક પદાર્થોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. જેને કારણે છાશવારે માદક પદાર્થો પકડાય છે. હાલ એસઓજીએ માદક પદાર્થોનો વેપલો કરનારાઓ ઉપર ધોંસ બોલાવી છે. જેના ભાગરૂપે થઇ રહેલી તપાસ દરમિયાન પીઆઈ એસ.એમ. જાડેજાએ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે આરોપી અતિકના મકાનમાં દરોડો પાડયો હતો. 

તે વખતે આરોપી ૫૦ ગ્રામની ગાંજાની પડીકીના પેકિંગ કરી રહ્યો હતો. તેને ત્યાંથી એસઓજીએ ૭.૧૨૦ કિલોગ્રામ ગાંજો, એક મોબાઇલ ફોન, વજનકાંટો અને જેમાં ગાંજો પેક કરાતો હતો તેવી પ્લાસ્ટિકની કોથળીના ચાર પેકેટ કબ્જે કર્યા હતાં. આ કોથળીના પેકેટ પરથી જ સ્પષ્ટ થઇ ગયું છે કે મોટાપાયે ગાંજાનું વેચાણ થતું હતું. 

એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે આરોપી અતિક દોઢ-બે વર્ષથી ગાંજાનો વેપલો કરી રહ્યો છે. તે ફ્રૂટની લારી ચલાવે છે. ગાંજો ક્યાંથી લઇ આવ્યો તે બાબતે ફરતુ-ફરતુ બોલે છે. રાજકોટ તાલુકા પોલીસ મથકમાં તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઇ છે. ખરેખર તે ગાંજો ક્યાથી લઇ આવતો હતો, કોને-કોને વેચતો હતો તે સહિતના મુદ્દે હવે રાજકોટ તાલુકા પોલીસ તપાસ કરશે. 

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ એસઓજીએ ફ્રૂટ અને કાપડનો ધંધો કરતાં બજરંગવાડીના જલાલમિયા કાદરીને ૧૯.૫૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. 


Google NewsGoogle News