Get The App

લ્યો બોલો, મહાપાલિકાના પ્લોટમાં 3 વર્ષથી ભાજપના પૂર્વ નગરસેવકે મોબાઈલ ટાવર ઉભો કર્યો, તંત્ર હવે જાગ્યુ

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
લ્યો બોલો, મહાપાલિકાના પ્લોટમાં 3 વર્ષથી ભાજપના પૂર્વ નગરસેવકે મોબાઈલ ટાવર ઉભો કર્યો, તંત્ર હવે જાગ્યુ 1 - image


- ખાળે ડુચા, દરવાજા મોકળા કહેવત સાર્થક કરતુ ભાવનગર મહાપાલિકા 

- ફુલસર વિસ્તારમાં મનપાના પ્લોટમાં મોબાઈલ ટાવર ઉભો કરી પૂર્વ નગરસેવકે ભાડુ વસુલ્યુ 

ભાવનગર : ખાળે ડુચા, દરવાજા મોકળા કહેવતને ભાવનગર મહાપાલિકાના કેટલાક અધિકારીઓ સાર્થક કરી રહ્યા હોય તેમ ચર્ચાય રહ્યુ છે. ફુલસર વિસ્તારમાં આશરે છેલ્લા ત્રણ વર્ષથી ભાવનગર મહાપાલિકાના પ્લોટમાં ભાજપના પૂર્વ નગરસેવકે મોબાઈલ ટાવર ઉભો કર્યો છે અને પૂર્વ નગરસેવક ભાડુ વસુલી રહ્યા છે. આ બાબતની મહાપાલિકાના તંત્ર ખબર જ ન હતી અને ખબર પડયા પછી પણ મહાપાલિકાના અધિકારીઓએ મોબાઈલ ટાવરનુ દબાણ હટાવવામાં કોઈ કારણસર ઢીલી નીતિ રાખી હતી. આજે સોમવારે મનપાના તંત્રએ કાર્યવાહી કરવાની હીમત દેખાડી હતી. 

ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ મહાપાલિકાના પોતાના પ્લોટમાં દબાણ હોવા છતા તંત્રને ખબર હોતી નથી અથવા કાર્યવાહી કરવામાં આવતી નથી, આવુ જ કિસ્સો આજે સોમવારે પ્રકાશમાં આવ્યો છે. શહેરના ફુલસર વિસ્તારના મહાદેવનગરમાં ટી.પી.સ્કીમ ર-એ નં. ર૯ પ્લોટ મનપાના શોપીંગ સેન્ટર માટે રીજર્વેશન પ્લોટ છે. આ પ્લોટમાં ગત વર્ષ ર૦ર૧માં ભાજપના પૂર્વ નગરસેવક પ્રવીણ ચાવડા (આહીર)એ મોબાઈલ ટાવર ઉભો કર્યો હતો અને અત્યાર સુધી આ મોબાઈલનુ માસીક આશરે રૂ. ૯ હજાર લેખે ભાડુ વસુલવામાં આવતુ હોવાનુ મનપાના સુત્રોએ જણાવેલ છે. મહાપાલિકાની ટીમ ગત જાન્યુઆરી માસમાં સર્વે-માપણી માટે ગઈ હતી ત્યારે મહાપાલિકાના પ્લોટમાં મોબાઈલ ટાવર ઉભો હોવાની બાબત ધ્યાન પર આવી હતી. મનપાના પ્લોટમાં ગેરકાયદે મોબાઈલ ટાવર ઉભો હોવાથી મનપાની ટીમે તપાસ કરી જીઓ કંપની અને તેની સાથે એગ્રીમેન્ટ કરી ભાડુ વસુલતા પૂર્વ નગરસેવક પ્રવીણ આહીરને નોટિસ ફટકારી હતી. 

મહાપાલિકાએ નોટિસ આપતા જીઓ કંપનીએ નિયમ મુજબ રકમ ભરવાની તૈયારી દર્શાવી હતી અને પ્રવીણ આહીરે મનપાને ખુલાસો આપતા જણાવ્યુ હતુ કે, તેનો પ્લોટમાં બાજુ છે પરંતુ ભુલથી મનપાના પ્લોટમાં મોબાઈલ ટાવર નખાય ગયો છે, આ પ્લોટ તેઓએ ખરીદવા પણ તૈયાર દેખાડી છે તેમ મનપાના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. નોટિસ આપ્યા બાદ પણ મનપાએ કાર્યવાહી કરવામાં કોઈ કારણસર ઢીલી રાખી હોવાની ચર્ચા છે પરંતુ આજે સોમવારે મનપાના કમિશનર સહિતનો કાફલો સ્થળ પર ગયો હતો અને કાર્યવાહી કરી હતી. મનપાએ મોબાઈલ ટાવરનુ વીજ કનેકશન કપાવી નાખ્યુ હતુ અને એસ્ટેટ વિભાગે કેટલોક સામાન જપ્ત કર્યો હતો. મોબાઈલ ટાવર ઉભો કરાયો છે ત્યારથી અત્યાર સુધીનો દંડ સહિતની રકમ મનપા વસુલશે તેમ મનપાના ટાઉન પ્લાનીંગ ઓફીસર કે.એસ.ઝાપડીયાએ માહિતી આપતા જણાવ્યુ હતું. આ પ્લોટમાં અન્ય કોઈ દબાણ ન કરે તે માટે મનપાએ દિવાલ પણ કરી નાખી છે. 

મહાપાલિકાની બેવડી નીતિ સામે રોષ 

ભાવનગર મહાપાલિકા દ્વારા દબાણ હટાવવા સહિતની બાબતમાં બેવડી નીતિ રાખવામાં આવતી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. મનપા દ્વારા નાના લારી-ગલ્લાના દબાણ હટાવવા ફટાફટ કામગીરી કરવામાં આવે છે, જયારે મોટા દબાણના મામલે ઢીલી નીતિ રાખવામાં આવતી હોય છે. મનપાના પ્લોટમાં રાજકીય લોકોના દબાણ હોવા છતા કાર્યવાહી કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે તેથી સામાન્ય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નિયમ બધા જ લોકો માટે સરખા હોય છે ત્યારે મનપાએ બેવડી નીતિ ન રાખી નિયમ મુજબ કામગીરી કરવી જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. 


Google NewsGoogle News