Get The App

બંગડી બજારમાં ફાયર એનઓસી વગરની કોમ.બિલ્ડિંગના બે માળમાં આગ ભભૂકી

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
બંગડી બજારમાં ફાયર એનઓસી વગરની કોમ.બિલ્ડિંગના બે માળમાં આગ ભભૂકી 1 - image


- હજુ પણ લાપરવાહીઃ રાજકોટમાં વધુ એક અગ્નિકાંડ થતા રહી ગયો

- પરિમલ હેન્ડીક્રાફ્ટમાં આગ બૂઝાવતા ૫ કલાક લાગ્યા, એક લાખ લિટરથી વધુ પાણીનો વ્યય, ૨ ફાયરમેનને ઈજા, પેઢીને નોટિસ આપી

- બિલ્ડિંગમાં પુરતા વેન્ટીલેશનનો અભાવ, માણસો ન્હોતા તે કારણે જાનહાનિ ટળી, બી.યુ. સર્ટિ. વિના બિલ્ડિંગ ચાલતી હોવાની શક્યતા

- બંગડીબજારમાં સપ્તાહ પહેલાં આગ ભભૂકી તોય સુધર્યા નહીં, એન.ઓ.સી. ન્હોતું છતાં પણ બિલ્ડિંગ ધમધમતું રહેવા દીધું!

રાજકોટ: રાજકોટમાં આજે વધુ એક ફાયર એન.ઓ.સી. વગર ધમધમતા ચાર માળના બિલ્ડીંગમાં આગ લાગતા ગેમઝોન જેવો અગ્નિકાંડ થતા સ્હેજમાં રહી ગયો હતો. અહીંની રાજાશાહી વખતની સાંકડી બજારોના વિસ્તાર ઘીકાંટા રોડ, કડીયાનવલાઈનમાં બંગડી બજાર ખાતે આવેલ પરિમલ હેન્ડીક્રાફ્ટ નામના બહુમાળી કોમર્શીયલ બિલ્ડીંગના બે માળ તેમજ છત ઉપરનો ભાગ પણ આગની ઝપેટમાં આવી ગયો હતો જેને બુઝાવતા ત્રણ ફાયર ફાઈટરોને પણ પાંચ કલાકનો સમય લાગ્યો હતો. ગંભીર વાત એ છે કે આ જ વિસ્તારમાં અઠવાડિયા પહેલા આગ લાગી હતી અને આ જ વિસ્તારમાં ફરી મોટી આગ લાગી છે. 

ફાયર બ્રિગેડના સૂત્રો અનુસાર સવારે ૧૦ વાગ્યે આગ લાગ્યાની જાણ થતા ફાયરબ્રિગેડ સ્ટાફ પહોંચી ગયો હતો પરંતુ, આગ ત્રણ માળમાં ફેલાઈ ગઈ હતી. બેડીપરા સહિત અન્ય સ્ટેશનોથી ફાયર ફાઈટરો ઘટનાસ્થળે મોકલાયા હતા અને આશરે એક લાખ લિટર પાણીનો મારો ચલાવીને બપોર બાદ ત્રણેક વાગ્યે આગ કાબુમાં આવી હતી.

આગ બુઝાવવાની કાર્યવાહી દરમિયાન એક ફાયરમેન થોડા દાઝી ગયા હતા તો અન્ય એક ફાયરમેન ઉપર પોપડાં પડતા હાથમાં ઈજા થઈ હતી.પોલીસે સ્થળ પર ધસી જઈને આ રસ્તો બંધ કરાવ્યો હતો. સદ્ભાગ્યે આગની સવારે જાણ થઈ ત્યારે બિલ્ડીંગમાં માણસો ન્હોતા તેથી જાનહાનિ થઈ નથી. આગની ઝપેટમાં ત્રીજો, ચોથો અને પાંચમા માળે લીફ્ટ રૂમ આસપાસનું બાંધકામ એમ ત્રણ માળ આવી ગયા હતા. 

તપાસ કરતા આ બિલ્ડીંગમાં ફાયર એન.ઓ.સી. જ નહીં હોવાનું અને છતાં પણ મહાપાલિકાએ તે ધમધમતી રાખી હોવાનું બહાર આવ્યું હતુ ં જેને સાત દિવસમાં એન.ઓ.સી. મેળવવા સ્થળ પર ધસી ગયેલા સ્ટેશન ઓફિસર મકવાણા દ્વારા નોટિસ ફટકારાઈ છે. પ્રાથમિક નિરીક્ષણમાં આ બિલ્ડીંગમાં પુરતા વેન્ટીલેશનનો પણ અભાવ જોવા મળ્યો હતો અને બી.યુ.પરમીશન પણ નહીં હોવાની શક્યતા છે. જો કે ફાયર એન.ઓ.સી. આપતા પહેલા આ બધી બાબતોની હવે ચકાસણી કરાશે. પરંતુ, સવાલ એ ઉઠયો છે કે શહેરમાં એન.ઓ.સી.વગરની મિલ્કતો સીલ કરાઈ ત્યારેઆ મિલ્કત શા માટે ચાલુ રહેવા દેવાઈ છે. 

દસ દિવસમાં એક સ્થળે ફરી આગ,મનપા તંત્ર ઢીલુ પડયું

રાજકોટ: રાજકોટની બંગડી બજારમાં દસ દિવસમાં જ બીજી ભીષણ આગ ભભુકી ઉઠી છે. આ પહેલા ભાભા બજારમાં આગ લાગી ત્યારે મિલ્કત સીલ કરવામાં આવી હતી અને બાદમાં અકળ કારણોસર અથવા સંભવિત ભલામણને પગલે સીલ ખોલાયું હતું અને આજે તો સીલ મારવાનું જ ટાળવામાં આવ્યું છે. એકંદરે શહેરમાં ફાયર એન.ઓ.સી. કે ફાયર સેફ્ટી અને બી.યુ.સર્ટિ. વગરની મિલ્કતો આજે પણ જોખમી છે અને કમસેકમ દર્દનાક અગ્નિકાંડ પછી પણ મનપા દ્વારા નિરપવાદ કડક કાર્યવાહી હજુ થતી નથી જે જરૂરી છે. 


Google NewsGoogle News