નારી ચોકડી પાસે ટ્રકની કેબીનમાં આગ ભભૂકી
પેટ્રોલપંપ નજીક જ ટ્રકમાં લાગેલી આગથી લોકોના જીવ તાળવે ચોટયાં
ફાયર સ્ટાફે પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો, સદ્નસીબે કોઈ મોટી દુર્ઘટના નહીં
ભાવનગર: ભાવનગર શહેરના છેવાડે નારી ચોકડીથી નારી ગામ જવાના રસ્તે આજે સવારના સમયે પેટ્રોલપંપ નજીક પાર્ક કરેલા એક ટ્રકની કેબીનમાં આગ ભભૂકી ઉઠતા લોકોના જીવ તાળવે ચોટયાં હતા. બનાવની જાણ થતાં ફાયર સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
ફાયર સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર શહેરના પ્રવેશદ્વાર નારી ચોકડીથી નારી ગામ તરફ જવાના રસ્તા પર આવેલ ઈન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ પાસે પાર્ક કરેલ ટ્રક નં.જીજે.૦૪.એક્સ.૬૭૦૪ની કેબીનમાં આજે ગુરૂવારે સવારના સમયે કોઈ કારણ સબબ અચાનક આગ લાગી હતી. જેની જાણ થતાં ફાયર સ્ટાફે મારતી ગાડીએ દોડી જઈ પાણીનો છંટકાવ કરી આગ બૂઝાવી હતી. ઉલ્લેખનિય છે કે, નજીકમાં જ પેટ્રોલપંપ આવેલો હોય, મોટી દુર્ઘટના થવાની ભીતિ સાથે લોકોમાં દહેશત ફેલાઈ હતી. જો કે, સદ્નસીબે કોઈ અનહોની ન થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો. આગ લાગવાનું કારણ, નુકશાની કે ટ્રકના માલિકનું નામ જાણવા મળી શક્યું ન હોવાનું ફાયર સ્ટાફે ઉમેર્યું હતું.