Get The App

મકર સંક્રાંતિ પર્વને અનુલક્ષીને શહેરની બજારોમાં અંતિમ તબકકાની ધૂમ ખરીદી

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
મકર સંક્રાંતિ પર્વને અનુલક્ષીને શહેરની બજારોમાં અંતિમ તબકકાની ધૂમ ખરીદી 1 - image


- પતંગબજારોમાં તેજીનો માહોલ છવાયો

- આ વર્ષે શનિવાર અને રવિવાર બે દિવસ દરમિયાન સતત ઉત્તરાયણનો વિશેષ આનંદ જામશે, પતંગપ્રેમીઓમાં ભારે ઉત્સાહ

ભાવનગર : પતંગરસિકોના મનપસંદ પર્વ મકરસંક્રાંતિના તહેવાર આડે હવે ગણત્રીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ભાવનગર શહેરની વિવિધ મુખ્ય બજારોમાં પતંગ પર્વને લઈને વિવિધ એસેસરીઝની અંતિમ તબકકાની ખરીદી માટે ચોતરફ ભારે ભીડ ઉમટી રહી છે. જેથી છેલ્લી ઘડીની ખરીદીને લઈને પતંગની બજારોમાં તેજીનો માહોલ છવાઈ જવા પામેલ છે.

આગામી તા.૧૪ જાન્યુઆરીને રવિવારે મકરસંક્રાંતિના પર્વે આકાશી યુધ્ધ લડવા માટે ગોહિલવાડમાં પતંગરસિકો ભારે ઉત્સુક બન્યા છે અને પતંગ એસેસરીઝની અંતિમ તબકકાની ખરીદી કરવા માટે સુસજજ થઈ રહ્યા છે. યુવાઓ છેલ્લી ઘડીની ખરીદી માટે શહેરના વોરાબજાર, પીરછલ્લા શેરી,ઘોઘાગેટ,આંબાચોક, મોતીબાગ,જવાહર મેદાન અને હલુરીયાચોક સહિતના સ્થળોએ મિત્રવર્તુળ સાથે નિકળી પડતા પતંગબજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ઉપરોકત પતંગબજારોમાં પાથરણાઓમાં, લારીઓમાં નાની મોટી સાઇઝના પતંગ, દોરા,રીલ, ગુંદરપટ્ટી અવનવા ચિત્રવિચિત્ર અને કર્કશ અવાજ ફેંકતા નાની મોટી સાઈઝના અવનવા પિપુડાઓ, બલુન, સાદાથી લઈને ફેન્સી અને ડિઝાઈનર ચશ્મા, ટોપી, માસ્ક સહિતની અવનવી એસેસરીઝની પતંગપ્રેમીઓ ધૂમ ખરીદી કરી રહ્યા છે. હજુ આવતીકાલે શનિવારે પણ બજારોમાં તેજીનો માહોલ જોવા મળશે.ઉત્તરાયણને લઈને બજારોમાં પતંગ એસેસરીઝની જ નહિ બલકેે ઉંધીયુપુરીની જયાફત માટે પણ પતંગરસિકો વ્યવસ્થાને આખરી ઓપ આપી રહ્યા છે. આ વર્ષે ખિયર અગાઉ શનિવાર આવતા પતંગરસિકો માટે શનિવાર અને રવિવાર અગાઉ ખિયરના પર્વ અગાઉ ગોહિલવાડમાં સંયુકત પરિવારોના સભ્યો દ્વારા ટોળટપ્પા કરતા કરતા જાતમહેનતથી જથ્થાબંધ શીંગપાક અને અલગ અલગ લાડવાઓ બનાવવામાં આવતા હતા.કાળક્રમે હવે સંયુકત પરિવારો ઘટતા જતા અને લાડવા તેમજ શીંગપાકની ચીકીની બનાવટમાં સમય, રો મટીરીયલ્સની ભારે કડાકૂટ રહેતી હોય મોર્ડન ગૃહિણીઓ સહિત મોટા ભાગના પરિવારો હવે જરૂરીયાત મુજબની આ ખાદ્યસામગ્રીઓ બજારોમાંથી કે ઘરઘરાઉ તૈયાર કરનાર શ્રમિકો પાસેથી રેડીમેડ જ ખરીદતા થયા હોય ખીયર અગાઉ તેના વિક્રેતાઓને ત્યાં ભારે ઘરાગી જોવા મળી રહેલ છે. 


Google NewsGoogle News