Get The App

ભાવનગર-બાંદ્રા વચ્ચે ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેન દોડાવામાં આવશે

Updated: Aug 6th, 2022


Google NewsGoogle News
ભાવનગર-બાંદ્રા વચ્ચે ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેન દોડાવામાં આવશે 1 - image


- રક્ષાબંધન અને શ્રાવણ માસના અન્ય તહેવારોને ધ્યાને રાખી રેલવેએ નિર્ણય કર્યો

- 13 અને 14 મીની ટ્રેનનું કાલથી, 1 લી અને બીજી સપ્ટેમ્બરની ટ્રેનની ટિકિટનું નવમી ઓગસ્ટથી બુકીંગ શરૂ કરાશે

ભાવનગર : શ્રાવણ માસ દરમિયાન આવતા રક્ષાબંધન, સાતમ-આઠમ સહિતના તહેવારોને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ ભાવનગર-બાંદ્રા વચ્ચે ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનમાં મુસાફરી માટે યાત્રિકોએ વિશેષ ભાડું ચુકવવું પડશે. બન્ને ટ્રેનની ટિકિટ બુકીંગ સોમવાર અને મંગળવારથી શરૂ કરાશે.

આગામી તહેવારોને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી ભાવનગર-બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા સાથે વધારાની સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. જેમાં બાંદ્રા-ભાવનગર વચ્ચે ૧૩મીને શનિવારે સાંજે ૭-૨૫ કલાકે ટ્રેન બાંદ્રાથી ઉપડી બીજા દિવસે સવારે ૯-૨૫ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે ૧૪મીને રવિવારે બપોરે ૨-૩૦ કલાકે ભાવનગરથી ટ્રેન ઉપડી બીજા દિવસે સવારે ૬ કલાકે બાંદ્રા પહોંચશે. આ ઉપરાંત ૧લી સપ્ટેમ્બરને ગુરૂવારે ભાવનગર ટર્મિનસથી બપોરે ૨-૫૦ કલાકે ટ્રેન ઉપડશે અને બીજા દિવસે સવારે ૬ કલાકે બાંદ્રા પહોંચશે. જ્યારે બાંદ્રાથી બીજી સપ્ટેમ્બરને શુક્રવારે સવારે ૯-૧૫ કલાકે ઉપડી તે જ દિવસે રાત્રે ૧૧-૪૫ કલાકે ભાવનગર પહોંચશે. આ બન્ને ટ્રેન બન્ને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડીયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે. ટ્રેનોમાં એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ લાગેલા રહેશે. ૧૩મી અને ૧૪મીની ટ્રેનનું બુકીંગ તા.૮-૮થી અને તા.૧-૯, તા.૨-૯ની ટ્રેનનું બુકીંગ તા.૯-૮થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે તેમ ભાવનગર રેલવેના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું છે.


Google NewsGoogle News