Get The App

બંધ મકાનોમાંથી ચોરી કરી તરખાટ મચાવનાર પિતા-પુત્રની જોડી ઝબ્બે

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
બંધ મકાનોમાંથી ચોરી કરી તરખાટ મચાવનાર પિતા-પુત્રની જોડી ઝબ્બે 1 - image


ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ-૨ પોલીસ મથકની હદમાં

ચાર ઘરફોડીએક બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો : બે માસ પહેલાં જેલમાંથી છૂટી ફરીથી ચોરીઓ શરૃ કરી

રાજકોટ :  રાજકોટના ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ-૨ વિસ્તારમાં છેલ્લા બે માસ દરમિયાન બંધ મકાનોને નિશાન બનાવી તરખાટ મચાવી દેનાર રાજસ્થાનના પાલી જિલ્લાના રાની તાલુકાના રાહુલ ઉર્ફે પંડિત (ઉ.વ.૫૧) અને તેના પુત્ર બાદલ (ઉ.વ.૨૩)ને રાજકોટ એલસીબી ઝોન-૨ના સ્ટાફે ઝડપી લેતાં ચાર ઘરફોડી, એક બાઇક ચોરી અને પાંચ મકાનમાં ચોરીની કોશિષ કર્યા સહિતના બનાવોના ભેદ ઉકેલાયા છે.

આરોપી રાહુલ ઘરફોડીમાં પાસા તળે રાજકોટ જેલમાં હતો. જ્યારે તેનો પુત્ર બાદલ ઘરફોડીમાં જામનગર જેલમાં હતો. બંને બે મહિના પહેલા છૂટયા હતા. અગાઉ પણ રાજકોટમાં ચોરી કરી ચૂક્યા હોવાથી રાજકોટને ધમરોળવાનું શરૃ કર્યું હતું. બંને રાજસ્થાનથી ખેડા આવ્યા હતા. જ્યાંથી એક બાઇક ચોરી કરી રાજકોટ પહોંચ્યા હતાં. નિર્મલા રોડ પરથી વધુ એક બાઇક ચોરી કરી તેમાં બેસી ચોરીઓ કરવાનું શરૃ કર્યું હતું.

બંને આરોપીઓ બાઇક લઇ બંધ મકાનની રાત્રે કે દિવસે રેકી કરતાં. સાથે છરી, કાતર, ગણેશિયો, પકડ, બુકાની અને ટોર્ચ વગેરે પણ રાખતા હતા. રાહુલ માથામાં વિગ અને મોઢે બૂકાની બાંધતો હતો. જ્યારે બાદલ પણ મોઢે બુકાની બાંધી લેતો હતો. રાહુલ ચોરી કરવા જતો જ્યારે બાદલ બહાર વોચ રાખતો હતો. રાહુલ મકાનના દરવાજાનું તાળુ પકડથી તોડી, અંદર ઘૂસી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરતો હતો.

બંને આરોપીઓએ છેલ્લા બે માસ દરમિયાન છોટુનગર, ગુણાતીતનગર, પૂજા પાર્ક અને છેલ્લે બજરંગવાડીમાં ઘરફોડી કરી હતી. બજરંગવાડીમાં એક સાથે પાંચ મકાનમાં ત્રાટક્યા હતાં. જેમાંથી એક મકાનમાંથી મત્તા મળી હતી. બાકીના ચાર મકાનમાં ફોગટ ફેરો થયો હતો.  આ ચાર ઘરફોડી સિવાય બાઇક ચોરી મળી કુલ પાંચ ગુનાના ભેદ ઉકેલાયા છે.

આ ઉપરાંત બંને આરોપીએ રૈયા રોડ પરની સૌરભ સોસાયટી, યુનિવર્સિટી રોડ પરની નિલકંઠનગર સોસાયટી, બજરંગવાડી નજીકની પુનિતનગર સોસાયટી, શ્યામનગર સોસાયટીમાં આવેલા બંધ મકાનોમાં ચોરીની કોશિષ કર્યાની પણ કબૂલાત આપી છે.

બંને આરોપી પાસેથી એલસીબી ઝોન-૨ના સ્ટાફે રૃા. ૨૦ હજારની કિંમતના ચાંદીના સાંકળા, રૃા. ૧૫૦૦ રોકડા, બે ચોરાઉ બાઇક અને ચોરી કરવાના સાધનો વગેરે મળી કુલ રૃા. ૭૯,૮૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ-૨ પોલીસ મથકની હદમાં એક પછી એક મકાનમાં થયેલી ચોરીની ઘટનાઓમાં સ્થાનિક પોલીસ કંઇ ઉકાળી શકી ન હતી. એલસીબી ઝોન-૨ના પીએસઆઈ આર.એચ. ઝાલાએ સ્ટાફના માણસો સાથે તપાસમાં ઝૂકાવી સીસીટીવી કેમેરા અને બાતમીદારો વગેરેની મદદથી આખરે બંને આરોપીઓને શીતલ પાર્ક મેઇન રોડ પરથી ઝડપી લીધા હતા.

બંને આરોપીઓ રીઢા ચોર છે. આરોપી રાહુલ સામે રાજસ્થાન, સુરત, જામનગરમાં ચોરી સહિતના ૧૫ જ્યારે બાદલ સામે રાજકોટ, જામનગરમાં ચોરીના વગેરે મળી ૧૧ ગુના નોંધાયેલા છે.


Google NewsGoogle News