Get The App

ફૂડ વિભાગમાં અરજી કર્યાનો ખાર રાખી ખેડૂતને ગાળો ભાંડી હુમલો

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
ફૂડ વિભાગમાં અરજી કર્યાનો ખાર રાખી ખેડૂતને ગાળો ભાંડી હુમલો 1 - image


રાજકોટ નજીકના સરધાર ગામની ઘટના

બે મહિલાઓએ તમાચા ઝીંકી દીધાસરધાર રહેતા કુલ પાંચ વિરૃધ્ધ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટ :  રાજકોટ નજીકના સરધાર ગામે રહેતા ધર્મેશભાઈ ગોવિંદભાઈ ઢાંકેચા (ઉ.વ.૩૮) ઉપર બે મહિલા સહિત એક જ પરિવારના પાંચ સભ્યોએ મારકૂટ કરી, ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાઇ છે. આરોપીઓ વિરૃધ્ધ ફૂડ વિભાગમાં અરજી કરી હતી. જેનો ખાર રાખી હુમલો કરાયાનું જણાવાયું છે.ફરિયાદી અને આરોપી પક્ષ સગા-સંબંધીઓ થાય છે.

ફરિયાદમાં ધર્મેશભાઇએ જણાવ્યું છે કે તે ખેતી કરે છે. બે મહિના પહેલા તેણે ફૂડ વિભાગમાં તેના ઘર પાસે ઓઇલ મિલ ચલાવતા શૈલેષ ઢાંકેચા અને વિપુલ ઢાંકેચા તેનો કચરો પોતાના મકાનના નવેરામાં ફેંકતા હોવાની અરજી કરી હતી. જેને કારણે ગઇકાલે બપોરે ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટર સંજયભાઈએ ફોન કરી કહ્યું કે તમે અરજી કરી છે તે ઓઇલ મિલ ખાતે આવો, અમે પણ ત્યાં આવીએ છીએ.

જેથી તે ઓઇલ મિલ ખાતે ગયો હતો. તે વખતે ફૂડ ઇન્સ્પેક્ટર સંજયભાઈ અને તેનો સ્ટાફ હાજર હતા. આ તમામ સ્ટાફે ઓઇલ મિલમાં જઇ યોગ્ય કાર્યવાહી કરી હતી. બપોરે આશરે એકાદ વાગ્યાના અરસામાં કૌટુંબિક ભાઈ શૈલેષ મનજીભાઈ ઢાંકેચાના પત્ની મનિષાબેન અને વિપુલ મનજીભાઈ ઢાંકેચાના પત્ની શીતલબેને આવીને કેમ અમારા વિરૃધ્ધ અરજી કરો છો તેમ કહી બોલાચાલી કરી હતી.એટલું જ નહીં બંનેએ તેને તમાચા ઝીંકી દીધા હતા.

ત્યાર પછી ફૂડ વિભાગનો સ્ટાફ કાર્યવાહી કરી ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર બાદ શૈલેષ તેની પાસે આવી ગાળો ભાંડવા લાગ્યો હતો, તેને ગાળો બોલવાની ના પાડતાં ધોકાનો ઘા માથામાં ઝીંકી દીધો હતો. તેના ભાઈ વિપુલ અને પુત્ર વિશાલ પણ આવી પહોંચ્યા હતા. આ બંને આરોપીઓએ પણ બેફામ ગાળો દઇ ગડદાપાટુનો માર માર્યો હતો.

જેને કારણે ત્યાંથી ભાગી, ઘરે જઇ કારમાં બેસી ત્યાંથી નીકળી ગયો હતો. રસ્તામાંથી પિતરાઇ ચિરાગને કોલ કરી બોલાવ્યો હતો.  જે તેને સિવિલ લઇ આવ્યો હતો. જ્યાં દાખલ થયો હતો. તેના સાથળના ભાગે અને કમરના ભાગે મૂંઢ ઇજા થઇ હતી. આજી ડેમ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News