મોટી કુંડળ ગામે ખેતમજૂરનું માથું વાઢી હેવાનિયતથી હત્યા
- ઉપાડ પેટે લીધેલા 10 હજાર રૂપરડીના મામલે સાથી ખેતમજૂરે ક્રુરતાપૂર્વક ખૂની ખેલ ખેલ્યો
- હત્યારાના પૈસા લઈને વતન ભાગી જવું હતું, માથાકૂટ થતાં ધારિયાથી માથું અને ધડ નોખું કરી નાંખ્યું
બોટાદ જિલ્લામાં ભારે ચકચાર જગાવનાર ઘટનાની ઉપલબ્ધ થતી વિગત અનુસાર ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામે રહેતા અને ખેતીકામ કરતા રાજુભાઈ પરસોત્તમભાઈ વનાળિયા (ઉ.વ.૩૭)એ તેમની સંયુક્ત માલિકીની જમીન ઉપરાંત ગામમાં રહેતા સુરેશભાઈ માધાભાઈ ભુવા ની ૪૦ વીઘા ખેતીની જમીન તેમજ નીતિનભાઈ બાબુભાઈ ભુવાની ૬૦ વીઘા ખેતીની જમીન ત્રીજા ભાગે વાવવા માટે રાખેલ હતી. આ વાડીમાં ભાગિયા તરીકે સુરેશભાઈ ગોરધનભાઈ ભીલ ( રહે. સારંગપુર, તા સંખેડા, જિ. છોટાઉદેપુર )ને રાખેલ હતો. તેમજ સુરેશભાઈ હસ્તક આઠ દિવસ પહેલા તેના જ ગામના મગનભાઈ ઉધવાભાઈ ભીલ, ભાઇલાલ જીવણભાઈ ભીલ અને કિરીટભાઈ સાણાભાઈ ભીલને સંયુક્ત રીતે ૩૦ ટકા મજૂરી ભાગે સુરેશભાઈ માધાભાઈ ભુવાની જમીન વાવવા આપી હતી.
દરમિયાન આ ત્રણેય ખેતમજૂર વાડીની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા હોય, ૨૦ દિવસ પહેલા રાજુભાઈ વનાળિયાએ તેમના ભાગિયા સુરેશભાઈ ગોરધનભાઈ હસ્તક બીજી વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા ભયલાલ જીવણભાઈ ભીલને રૂા.૧૦,૦૦૦ ઉપાડ પેટે આપ્યા હતા. જે ઉપાડના રૂપિયા લઈ ભયલાલ ભીલે પોતાના વતન ભાગી જવાની વાત કરતા મગનભાઈ અને ભયલાલ વચ્ચે માથાકૂટ થઈ હતી. જે વાતને લઈ શખ્સે ઉશ્કેરાય જઈ મગનભાઈ ઉધવાભાઈ ભીલના ગળાના ભાગે ધારિયાનો ઘા ઝીંકી માથું અને ધડ નોખું કરી નાંખી ખૂની ખેલ ખેલ્યો હતો. ખેતમજૂરની કરપીણ હત્યા કરી હત્યારો શખ્સ ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે રાજુભાઈ પરસોતમભાઈ વનાળિયાએ ભયલાલ જીવણભાઈ ભીલ (રહે. સારંગપુર,તા. સંખેડા,જિ. છોટાઉદેપુર ) સામે ફરિયાદ નોંધાવતા ગઢડા પોલીસે આઈપીસી ૩૦૨ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી હત્યારાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
રૂપિયાના બદલે જિંદગીનો હિસાબ ચોખ્ખો થઈ ગયો
મોટી કુંડળ ગામની સીમમાં બે ભાગિયા વચ્ચે ઉપાડ પેટેના ૧૦ હજાર રૂપિયાને લઈ માથાકૂટ ગઈ ત્યારે રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં પ્રથમ હત્યારા ભયલાલ ભીલે રાજુભાઈ વનાળિયાને ફોન કરી મગનભાઈ માથાકૂટ કરે છે, તમે જલ્દી વાડીએ આવો તેમ વાત કરી હતી. જેની થોડી જ ક્ષણમાં મગનભાઈએ પણ રાજુભાઈને ફોન પર ભયલાલ સાથે ઝઘડો થઈ રહ્યો હોય, તમે વાડીએ આવીને હિસાબ ચોખ્ખો કરો તેમ વાત કરી હતી. જેથી રાજુભાઈ સવા દસેક વાગ્યે વાડીએ પહોંચતા રૂપિયાની જગ્યાએ મગનભાઈની જિંદગીનો હિસાબ ચોખ્ખો (હત્યા) થઈ ગયાનું તેમણે જોયું હતું.
ખાટલામાં ધડ, નીચે મસ્તક કપાયેલું પડયું હતું
રાજુભાઈ પરસોતમભાઈ વનાળિયાને માથાકૂટની જાણ થતાં તેઓ તાત્કાલિક વાડીએ દોડી ગયા હતા. ત્યાં જઈને જોતા ગુંદાના ઝાડ નીચે પડેલા ખાટલામાં ધડ અને ખાટલાની નીચે કપાયેલું માથું પડેલું હતું. જેથી તેમણે તુરંત જ વાડમાલિકને ફોન કરી હત્યાના બનાવથી વાકેફ કર્યા હતા. બીજી તરફ રૂપિયાના મામલે થયેલી હત્યાની જાણ થતાં આજુબાજુની વાડીના લોકો, ભાગિયા પણ દોડી આવ્યા હતા. જ્યારે માથા અને ધડને પીકઅપ વાહનમાં રાખી ગઢડા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યું હતું. બનાવના પગલે ગઢડા પોલીસનો કાફલો પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો.