બે બાઈક સામસામે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં એક ચાલકનું મોત
કરજણ તાલુકાના અણસ્તુ ગામ નજીક
અકસ્માત કરનાર બાઈક ચાલક સામે પોલીસે ગુનો દાખલ કર્યો, મૃતક યુવાન કરજણથી ઘરે પરત જતો હતો
કરજણ: કરજણ તાલુકાના અણસ્તુ ગામ નજીક ઘરે જઈ રહેલા બાઈક સવારને સામેથી આવતી બાઈકના ચાલકે અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં એક બાઈક ચાલક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
કરજણ તાલુકાના પિંગલવાડા ગામે રહેતાં સુનિલભાઈ મેલસંગભાઈ વસાવા ગત તા.૨૧ ના રોજ બાઈક લઈને કરજણ કામ અર્થે આવેલા હતાં. જ્યાંથી કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે અણસ્તુ ગામ નજીક કરજણથી પાદરા જવાના રોડ ઉપર સામેથી પૂરઝડપે આવી રહેલી બાઈકના ચાલકે તેની બાઈક સાથે અથાડી અકસ્માત કર્યો હતો. પરિણામે બંને બાઈક ચાલકો રોડ પર પટકાયા હતાં. જેમાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે રોડ પરથી પસાર થતાં લોકો ભેગા થઈ જતાં બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે કરજણ સરકારી દવાખાને ખસેડાયા હતાં. જ્યાં સુનિલભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. જ્યાં સુનિલભાઈ વસાવા (ઉ.વ.૪૦)નું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવને પગલે અકસ્માત કરનાર બાઈક ચાલક ઉમાશંકર રામમૂરત તિવારી (રહે. અણસ્તુ, તા.કરજણ) સામે કરજણ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.