ભાવનગરમાં ફાયર પ્રિવેન્સ વિંગની રચના કરવા મહાપાલિકાની સાધારણ સભામાં નિર્ણય કરાશે
- મહાપાલિકાની સાધારણ સભામાં જુદા જુદા 9 ઠરાવને બહાલી અપાશે
- કર્મચારીઓની આર્થિક સહાયમાં વધારો કરવો, તકેદારી સમિતિ અને બાર્ટન લાઈબ્રેરીમાં મહાપાલિકાના નગરસેવકની નિમણૂંક કરવી વગેરે ઠરાવને મંજૂરી અપાશે
મહાપાલિકાના હોલ ખાતે સાધારણ સભા આગામી તા. ર૯ જૂલાઈને સોમવારે સાંજે ૪ કલાકે મેયરના અધ્યક્ષ સ્થાને મળશે. સાધારણ સભામાં જુદા જુદા કામના ૯ ઠરાવને મંજૂરી આપવામાં આવશે, જેમાં અગ્રસચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સૂચના અનુસાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા કેસોના અનુસંધાને ભાવનગર મહાપાલિકામાં ચીફ ફાયર ઓફીસરના નિયંત્રણ હેઠળ ફાયર પ્રિવેન્સન વિંગની રચના કરવા તથા નવુ સેટઅપ તથા લાયકાત મંજૂર કરવા અંગે નિર્ણય કરાશે. આ ઉપરાંત મહાપાલિકાના કર્મચારીઓને બિમારી સબબ રૂ. ર૦ હજાર આર્થિક સહાય ચુકવવામાં આવે છે પરંતુ હાલાન સમયમાં હોસ્પિટલમાં સારવારના ખર્ચમાં ખૂબ વધારો થયો હોવાથી આર્થિક સહાયલના દરમાં વધારો કરવાની જરૂર છે, જે બાબત ધ્યાનમાં લેતા ભાવનગર મહાપાલિકાની સાધારણ સમગ્ર સભાના ઠરાવ થયા તારીખથી રજૂ થતી આર્થિક સહાયના કિસ્સામાં સારવારના થયેલ ખર્ચ પૈકી ખરેખર થયેલ ખર્ચ અથવા રૂ. ૪૦ હજાર બે માંથી જે ઓછી રકમ હોય તે આર્થિક સહાય ચુકવવાની મંજૂરી આપવા નિર્ણય કરાશે.
ભાવનગર શહેરની પંડીત દિનદયાળ ગ્રાહક ભંડાર માટે તકેદારી સમિતિની રચના કરવાની છે, જેમાં આ સમિતિના ચેરમેન તરીકે ભાવનગર મહાપાલિકા વિસ્તારના કોર્પોરેટરઓ પૈકી એક કોર્પોરેટરની નિમણૂંક કરાશે. બાર્ટન લાઈબ્રેરીના ટ્રસ્ટી મંડળનુ પુનર્ગઠન કરવાનુ હોવાથી એક ચૂંટાયેલા સભ્યને ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવાનુ હોવાથી મનપાના ચૂંટયેલા સભ્યઓ પૈકી એક પ્રતિનીધીની નિમણૂંક કરવા અંગે નિર્ણય કરાશે. ટી.પી.સ્કીમ નં. ર-બી (ફુલસર)માં આવેલ અંતિમ ખંડ નં. ૩૧ કે જે ફાયર બ્રિગેડ માટેનો રીઝર્વ પ્લોટ હોય તેમાં પોલીસ સ્ટેશન બનાવવા માટે ટાઉન પ્લાનીંગ વિભાગેથી દરખાસ્ત કરવામાં આવી હતી. આ પ્લોટની મનપાને જરૂરીયાત હોવાથી હવે પોલીસ વિભાગને ફાળવવાનો રહેતો નથી. સરકારમાં હેતુફેર કરવા માટે કરવામાં આવેલ દરખાસ્ત અન્વયે સરકારને હેતુફેર ન કરવા માટે જાણ કરવાની રહે છે તેની હકીકત જાહેર કરાશે. ટી.પી. સ્કીમ નં. ર૬ (નારી)ની કામચલાઉ પુનઃ રચનાને પરામર્શ આપવાના કમિટિના થઈ આવેલ અભિપ્રાય મુજબ મંજૂરી આપવી સહિતના ૯ ઠરાવને બહાલી આપવામાં આવશે.