અમરેલીનાં બાબાપુર પાસે ખૂંખાર દીપડાના હુમલાથી બાળકનું મોત
વાડીમાં રમી રહેલાં બાળકને દીપડો ખેંચી ગયો
પરિવારજનોએ પાછળ દોટ મુકતાં દીપડો બાળકને મુકીને નાસી ગયો પરંતુ બાળકનું ઈજાથી મોત
અમરેલી : અમરેલી જિલ્લામાં
દીપડાની રંજાડ દિન-પ્રતિદિન વધી રહી છે. દીપડાના હુમલા છાશવારે વધતા હોવાથી
પરપ્રાંતિય શ્રમિકોમાં ભયનો માહોલ છવાયો છે. ગઈકાલે અમરેલીના બાબાપુર ગામ નજીક
બાળક પર દીપડાના હુમલાની ઘટના સામે આવી છે.
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓની રંજાડ વધી રહી છે. અમરેલી
તાલુકાના બાબાપુર ગામ નજીક તરવડા ગુરૃકુળ પાસે મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર વાડીએ
કામ કરતો હતો ત્યારે તેના ૭ વર્ષીય પુત્ર આકાશ બાજરીભાઈ સોલંકી પર દીપડાએ હુમલો
કરી બાળકને ખેંચી ગયો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા તાત્કાલિક દીપડાની પાછળ
દોટ મુકી હતી જેથી દીપડા બાળકને ઘાસમાં મુકી નાસી ગયો હતો.
દીપડાએ હુમલો કરતા બાળકનુ ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. દીપડાએ
બાળક પર કરેલા હુમલાને કારણે આસપાસના પરપ્રાંતિય શ્રમિકો અને ખેડૂતોમાં ભારે ભયનો
માહોલ છવાયો છે. આ ઘટનાની જાણ થતા જ વનવિભાગની ટીમ દોડી ગઈ હતી. માનવજીવ પર હુમલા
થાય તે પહેલા દીપડાને પાંજરે પુરવા ખેડૂતોએ માંગ કરી છે.