કાનાતળાવ પાસેથી દારૂ, બિયર ભરેલી કાર પકડાઈ
- ટ્રકમાં દારૂનો જથ્થો પ્રથમ દેવપુરાની સીમમાં ઉતાર્યો
- પિતાએ બલીઠા ગામના બુટલેગર પાસેથી માલ મંગાવ્યો, પુત્ર કારમાં દારૂના 624 ચપટાં, બિયરના 264 ટીનની ખેપ લઈ નીકળતા પોલીસ ગિરફ્તમાં આવ્યો, ચાર સામે ફરિયાદ
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ધોલેરાના દેવપુરા ગામની સીમમાંથી મારૂતિ-૮૦૦ કારમાં વિલાયતી દારૂની ખેપ ભરીને ભાવનગર લાવવામાં આવી રહી હોવાની ચોક્કસ બાતમી મળતા વેળાવદર ભાલ પોલીસે મધરાત્રિના એક કલાકના સુમારે કાનાતળાવ ગામથી હિંગળાજ માતાજીના મંદિર તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં કાર નં.જીજે.૦૫.સીજે.૯૩૧૮ ત્યાંથી પસાર થતાં પોલીસે શંકાના આધારે કારને રોકી તલાશી લેતા કારની પાછળની સીટ અને ડેકીમાં છુપાવેલ વિદેશી દારૂના જુદા-જુદા બ્રાંડના ચપટાં નં.૬૨૪ અને બિયરના ટીન નં.૨૬૪ મળી આવતા પોલીસે કારચાલક નરેશ જેન્તીભાઈ મહેરાને કાર, દારૂ-બિયરનો જથ્થો અને એક મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ આગવીઢબે પૂછતાછ કરી હતી.
જેમાં શખ્સે એવી કબૂલાત આપી હતી કે, આ દારૂ-બિયરનો જથ્થો તેના પિતા જેન્તી મહેરાએ વાપી તાલુકાના બલીઠા ગામના બુટલેગર વિનોદ પટેલ પાસેથી મંગાવ્યો હતો. જેથી ડ્રાઈવર વિનોદ પટેલ (રહે, બલીઠા) તથા કંડક્ટર ધવલ પટેલ (રહે, દમણ) નામના શખ્સો આઈસરમાં દારૂનો જથ્થો લાવી દેવપુરાની સીમમાં આપી ગયા હતા. શખ્સની કેફિયતના આધારે ભાલ પોલીસે પિતા-પુત્ર જેન્તી મહેરા, નરેશ જેન્તીભાઈ મહેરા, વિનોદ પટેલ અને ધવલ પટેલ વિરૂધ્ધ પ્રોહિ. એક્ટની કલમ ૬૫ (અ), ૬૫ (ઈ), ૧૧૬-બી, ૯૮ (ર), ૮૧ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં ઝડપાયેલા શખ્સના કોરોના રિપોર્ટ માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.