મોરબીના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ
- ફિનાઇલ પી લેતાં સારવારમાં
- 22 વ્યાજખોરો સામે પોલીસે ગુનો નોંધી તપાસ
મોરબી : મોરબીની અવની ચોકડી પાસે રહેતા ઈમિટેશનના કામકાજ સાથે સંકળાયેલા વેપારી વ્યાજના વિષચક્રમાં ફસાયા હોય જેને ૨૨ લોકો પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા. જેના બદલામાં ઊંચું વ્યાજ ચૂકવ્યા છતાં કાર અને જમીન પડાવી લીધા બાદ પણ વ્યાજની ઉઘરાણી કરતા ત્રાસી ગયેલ વેપારીએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બનાવ મામલે પોલીસે ૨૨ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીની અવની ચોકડીએ રહેતા અને ઈમિટેશનનું કામ કરતા કેયુરભાઈ નાગજીભાઈ બાવરવાએ આરોપીઓ ગોપાલ ભટ્ટ, ભોલુ જારીયા, રોહિતભાઈ, મુકેશ ડાંગર, ઉમેશભાઈ, રાજભાઈ ઉર્ફે લાલભાઈ, પ્રકાશભાઈ, અજીતભાઈ, જયેશભાઈ ભરવાડ, કમલેશભાઈ, પ્રતિક ઉર્ફે પતીયો, જયદેવભાઈ, વિપુલભાઈ, જયદીપભાઈ ડાંગર, મિલનભાઈ, મેરૂભાઈ રામજીભાઈ રબારી, મહિપતસિંહ જાડેજા, દિલીપભાઈ બોરીચા, લાલાભાઈ, વિરમભાઇ રબારી, ભરતભાઈ અને રીઝવાન એમ ૨૨ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે , જે ફરિયાદમાં જણાવ્યું છે કે ઈમિટેશણ ધંધામાં રૂપિયાની જરૂરત પડતા આ ૨૨ શખ્સો પાસેથી વ્યાજે લાખો રૂપિયા લીધા હતા.
આરોપીઓને મોટું વ્યાજ ચૂકવ્યા છતાં બદલામાં ગામની જમીન જે આશરે સાતેક વિધા છે તેનું સાટાખત કરાવી લીધેલ તેમજ ફોન કરી રૂપિયાની ઉઘરાણી કરી ટાંટિયા ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી આપી પરેશાન કરતા હતા. જે આરોપીઓના ત્રાસથી કંટાળી યુવાને એસપી રોડ પર આવેલ અક્ષર હાઈટ્સ સામે આવેલ બાવડની ઝાડીમાં ભાભીને ફોન કરી જાણ કરીને ફિનાઈલ પી લીધું હતું જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા આમ આરોપીઓએ ઊંચા વ્યાજ વસુલી સંયુક્ત માલિકીની જમીન બળજબરીપૂર્વક લખાવી તેમજ કાર પડાવી લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.