રાજુલાના અમૂલી ગામની સીમના ખાળિયામાંથી હત્યા થયેલી લાશ મળી
ફોરેન્સિક પો.એમ.માં માથામાં બોથડ પદાર્થના ઘા મારી મોત થયાનો રિપોર્ટ
ભાવનગર જિલ્લાના દુધેરી ગામના બે શખ્સો સામે શંકાની સોય તાકી પોલીસમાં ફરિયાદ નોધાવાઈ
અમરેલી: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના અમુલી ગામની સિમ વિસ્તારમાં ખાળીયા માંથી એક વ્યક્તિઓનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.આ બનાવમાં હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો.ભોગ બનેલા હતભાગીના ભાઈએ જેની સાથે અગાઉ માથાકૂટ થઈ હતી. એવા ં મહુવા તાલુકાના દુઘેરી ગામના બે શખ્સો સામે શંકાની સોય તાકીને પોલીસ મથક ગુન્હો નોંધાવતા ચકચાર મચી ગઈ હતી.
રાજુલાના અમુલી ગામના સીમ વિસ્તારમાં આસરાણા જવાના કાચા રસ્તાના ખાળિયામાંથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી આ વ્યક્તિની લાશને તેના પરિવારજનોની હાજરીમાં ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવી હતી.આ લાશ જયંતીભાઈ પાંચાભાઇ શિયાળ (ઉ.વ.૩૬) રહે.દુધેરી,તા.મહુવા નામના વ્યક્તિની હતી અને તેના મોતનું ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું.અહીં ફરજ પરના ડોકટરો દ્વારા આ યુવકનું મોત માથામાં બોથડ પદાર્થ વાગવાને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે મૃતક યુવકના પરિવારજનો દ્વારા તપાસ કરતા હત્યા થઇ હોવાનું ખુલતા મૃતક જયંતીભાઈના નાનાભાઈ વિઠ્ઠલભાઈ શિયાળ (ઉ.વ.૩૧) દ્વારા રાજુલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી કે,ગત તારીખ ૨૫ મેં ના રોજ સવારે નવેક વાગ્યે દુધેરી ગામેથી વિહાભાઈ ભાલીયા સાથે જયંતીભાઈ બાબરીયાધાર તથા અમૂલી ગામે વાડીએ ભાગવુ રાખવા માટે ગયેલ અને તેઓ બંને તેમજ નરેશભાઈ સોલંકી કામ માટે મોટર સાયકલ લઈને રખડતા હતા.જોકે સાંજના આઠેક વાગ્યાના સમય પહેલા કોઈપણ કારણોસર વિહાભાઈ ભાલીયા તથા નરેશભાઈ સોલંકી બને રહે.દુધેરી એ સાથે મળીને જયંતીભાઈને માથાના ભાગે સખત કે બોથડ પદાર્થ જીવલેણ ઘા મારી માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ કરી મોત નિપજાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બંને શખ્સો પણ ભાગી ગયેલ હોય અને મળી રહ્યા ન હતા અને જેને લઈને આ બંને શખ્સો દ્વારા મોત નિપજાવ્યું હોય આ બાદ લાશને અમૂલી ગામની સિમ વિસ્તારમાં આસરાણા જતા કાચા રસ્તાના ખાળિયામાં મૂકી નાસી ગયા હોવાનો શક ઉપજાવતા રાજુલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી.આ શખ્સ પૈકી વિહાભાઈને મૃત્યુ પામનાર સાથ અગાઉ ઝઘડો થયો હતો. પણ એ વખતે ઘરમેળે સમાધાન થયું હતુ. આથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ ન હતી. આ બધા કારણોસર એમની સામે શંકાની સોય તકાઈ છે.
આ બનાવને લઈને બંને ભાવનગર જિલ્લાના દુધેરી ગામે રહેતા બંને શખ્સો વિરુદ્ધ રાજુલા પોલીસ મથક ખાતે આઇપીસી કલમ ૩૦૨ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.