કલ્યાણપુર નજીક હિટ એન્ડ રનના બનાવમાં કારની ઠોકરે 10 વર્ષીય બાળાનું કરુણ મોત
દૂધની થેલી લઈને રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે કારે ઉડાડી
ભુપત આંબરડી ગામ પાસે બાઈક સ્લીપ થતાં ખેડૂત યુવાનનું મોત
ખેભાળિયા,જામનગર: કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામની સીમમાં રહેતા રાજસ્થાની શ્રમિક પરિવારની દસ વર્ષની પુત્રીને અજાણ્યા કારના ચાલકે હડફેટે લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી, આરોપી ચાલક કાર લઈને નાસી છૂટયો હોવાનું જાહેર થયું છે.જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામ પાસે એક બાઈક સ્લીપ થઈને ખાંભા સાથે ટકરાઈ જતા ખેડૂત યુવાનનું મૃત્યુ નીપજ્યું છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાન રાજ્યના ભીલવાડા જિલ્લાના વનોરપુરા ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામની સીમમાં રહી અને મજૂરી કામ કરતા રોશનભાઈ આસુલાલ ભીલ નામના ૩૭ વર્ષના યુવાનની ૧૦ વર્ષની પુત્રી પૂનમ કલ્યાણપુરથી આશરે ૨૦ કિલોમીટર દૂર પોરબંદર હાઈવે પરથી દૂધની થેલી લઈને પરત આવી રહી હતી. અહીં રોડ ક્રોસ કરતી વખતે આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા કારના ચાલકે પૂનમને ઠોકરે લીધી હતી. જેના કારણે તેણીને ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.આ અકસ્માત સર્જીને આરોપી કાર ચાલક પોતાની કાર લઈને નાસી છૂટયો હતો.કલ્યાણપુર પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.
જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ગીરીરાજસિંહ ઘનશ્યામ સિંહ જાડેજા (ઉ.વ.૨૦) શેઠ વડાળા થી ભૂપત આંબરડી ગામ તરફ બાઇક લઈને આવતા હતા ત્યારે માર્ગમાં તેનું બાઇક સ્લીપ થઈને રોડની સાઈડમાં ખાંભા સાથે ટકરાઈ ગયું હતું. જેમાં તેને હેમરાજ સહિતની ગંભીર ઈજા થવાથી સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજયું હતું.આ બનાવ અંગે મૃતક ના પિતા ઘનશ્યામસિંહ રામભા જાડેજાએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.