ભાવનગરની નેશનલ લોક અદાલતમાં 9100 કેસોનો નિકાલ કરાયો
- મોટર અકસ્માતના વળતરના 66 કેસોનો નિકાલ
- 3242 પ્રિલીટીગેશન કેસોનો નિકાલ કરી રૂા 68,63 લાખના વળતરનો હુકમ કરાયો
ભાવનગર જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગરનાં માર્ગદર્શન અનુસાર કોર્ટોમાં લોક અદાલત યોજાઈ હતી. જેમાં સમાધાન પાત્ર ફોજદારી, મોટર એકસીડન્ટ કલેઈમ પીટીશન, ચેક રીટર્ન, દેવા વસુલાતને લગતા દિવાની તકરારનાં કેસો સહિત સમાધાનલાયક કેસો મુકાયા હતા. જેમાં ૬૬ મોટર અકસ્માત વળતરનાં કેસોનો નિકાલ કરી રૂા.૨,૮૬,૧૭,૫૦૦ નો વળતરનો હુકમ કરાયો હતો. ઉપરાંત ૩૨૪૨ પ્રિલીટીગેશન કેસોનો નિકાલ કરી રૂા. ૬૮,૬૩,૩૨૨ વળતરનો હુકમ કરાયો હતો. લોક અદાલતને સફળ બનાવવા જિલ્લાના તમામ જયુડીશ્યલ ઓફિસર, વકીલો, જિલ્લા પોલીસ અધિક્ષક, તથા નોડલ ઓફીસર તેમજ નાયબ પોલીસ અધિક્ષક તેમજ ભાવનગર જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષકો તથા જિલ્લાનાં તમામ પોલીસ ઈન્સપેકટરો તથા પી.એસ.આઈ. તથા પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડસ તથા ભાવનગર ટ્રાફીક શાખાનાં પોલીસ ઈન્સપેકટર, કર્મચારીઓ તથા ફુલ ટાઈમ સેક્રેટરી સહિતે જહેમત ઉઠાવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગરના કર્મચારીઓ અને અન્ય તમામ કોર્ટના કર્મચારીઓએ આ લોક અદાલતને સફળ બનાવવા પ્રશંસનીય કામગીરી કરી હતી.