જિલ્લાના મહુવાનો માલણ ડેમ 70 ટકા ભરાતા 9 ગામને સાવચેત કરાયા
- શેત્રુંજી ડેમમાં ફરી 807 કયુસેક પાણીની આવક શરૂ
- બગડ ડેમમાં સવા બે ઇંચ વરસાદ, શેત્રુંજી, રજાવળ, ખારો, રોજકી ડેમમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનો રોજકી ડેમ ગઈકાલે સોમવારે ૭૦ ટકા ભરાયો હતો, જયારે આજે મંગળવારે મહુવા તાલુકાનો માલણ ડેમ ૭૦ ટકા ભરાય ગયો છે. માલણ ડેમનુ મહત્તમ લેવલ ૧૦૪.રપ૬ મીટર છે અને ગેજ મુજબ ૩૩.૯૬ ફૂટ છે. હાલ ડેમની સપાટી ૧૦૩.૦૪ મીટર અને ગેજ મુજબ ૩૦.૦૪ ફૂટ છે. માલણ ડેમમાં હજુ ૪૬ કયુસેક પાણીની આવક છે. માલણ ડેમ છલકાય તે પૂર્વે ૯ ગામને સાવચેત કરાયા છે, જેમાં મોટા ખુંટવડા, ગોરસ, સાંગણીયા, લખુપુરા, કુંભણ, નાનાજાદરા, તાવીડા, મહુવા, કતપર વગેરે ગામનો સમાવેશ થાય છે. ડેમ છલકાય ત્યારે આ ગામોને સાવચેત રહેવા અને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવર-જવર કરવી નહી તેમ તંત્રએ જણાવેલ છે. શેત્રુંજી ડેમમાં કેટલાક દિવસ બાદ આજે ફરી ૮૦૭ કયુસેક પાણીની આવક શરૂ થઈ હતી. ખારો ડેમમાં ૩૧૦ કયુસેક, રોજકી ડેમમાં રપ૦ કયુસેક પાણીની આવક શરૂ હતી. બગડ ડેમમાં ર૧૧ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી.
ભાવનગર જિલ્લાના ૭ ડેમમાં આજે ઝરમરથી લઈ સવા બે ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં બગડ ડેમમાં પ૩ મીલીમીટર એટલે કે સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો, જયારે શેત્રુંજી ડેમમાં ૧૦ મીમી, રજાવળ ડેમમાં ૧પ મીમી, ખારો ડેમમાં ૧૦ મીમી, રોજકી ડેમમાં ૧૦ મીમી એટલે આ ડેમોમાં આશરે અડધો ઇંચ વરસાદ પડયો હતો. માલણ ડેમમાં ૪ મીમી અને લાખણકા ડેમમાં પ મીમી એટલે કે ઝરમર વરસાદ થયો હતો.