રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનની 8.4 કરોડ રકમથી 7416 કેસનો નિકાલ કરાયો
- નાલ્સા અને સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટીના આદેશથી આયોજન
- સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એક્સીડન્ટ ક્લેઈમ પીટીશન, ચેક રિટર્ન કેસો, દેવા વસૂલાતને લગતા દિવાની તકરારના કેસો મુકાયા
નાલ્સા (સુપ્રીમ કોર્ટ) અને સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી (હાઈકોર્ટ)ના આદેશ મુજબ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ એચ.એસ. મુલિયાના માર્ગદર્શન અને આર.એ. ત્રિવેદી (મેમ્બર સેક્રેટરી)ની સુચનાથી તા.૧૪-૯ને શનિવારે કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં ફોજદારી કેસો, મોટર એક્સીડન્ટ ક્લેઈમ પીટીશન, ચેક રિટર્ન કેસો, દેવા વસૂલાતને લગતા દિવાની તકરારના કેસો સહિત સમાધાન પાત્ર કેસો મુકવામાં આવ્યા હતા. આ રાષ્ટ્રીય લોક અદાલત થકી રૂા.૮.૪ કરોડ સમાધાનની રકમ દ્વારા ૭૪૧૬ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. વધુમાં મોટર અકસ્માત વળતરના ૩૫ કેસનો નિકાલ કરી રૂા.૬,૧૬,૫૬,૦૦૦નો વળતરનો હુકમ કરાયો હતો. ઉપરાંત ૨૭૩૩ પ્રિલિટીગેશન કેસનોન નિકાલ કરી રૂા.૧,૦૭,૩૦,૫૭૬ વળતરનો હુકમ કરવામાં આવ્યો હતો.
લોક અદાલતને સફળ બનાવવા જિલ્લાના તમામ જ્યુડી. ઓફિસર, બાર એસો.ના પ્રમુખો-વકીલો, જિલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલ, નોડલ ઓફિસર ડામોર, ડિવાયએસપી સિંઘાલ, જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષક, પીઆઈ-પીએસઆઈ, પોલીસ-કોર્ટ કર્મચારી, હોમગાર્ડર્સ, ટ્રાફિક પીઆઈ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના કર્મચારીઓ તેમજ ફૂલ ટાઈમ સેક્રેટરી એસ.એન.ઘાસુરા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
વાહન અકસ્માત ક્લેઈમમાં 81.50 લાખનો ચેક અર્પણ કરાયો
રાષ્ટ્રીય લોક અદાલતમાં વાહન અકસ્માત ક્લેઈમના કેસોમાં પણ સમાધાન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર મેઈન ટ્રીબ્યૂનલના ચેરમેન એચ.એસ. મુલિયાની કોર્ટમાં ચાલતા વાહન અકસ્માત ક્લેઈમમાં મૃતક રવિકુમાર પ્રભુદાસ જોબનપુત્રના વારસદારો વૈશાલીબેન રવિકુમાર જોબનપુત્રાના ક્લેઈમ કેસમાં ચોલા મંડલમ એમ.એસ. જનરલ ઈન્સ્યુરન્સ કુા.એ રૂા.૮૧.૫૦ લાખમાં સમાધાન કરી ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જજ એસ.એન. ઘાસુરાના હસ્તે તેમને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચેક અર્પણ કાર્યક્રમમાં અરજદારોના એડવોકેટ સી.ડી.ભલાણી, વીમા કંપનીના વકીલ કે.જે. શુકલ (રાજકોટ), એમ.એસીપી બ્રાંચ રજિસ્ટરા હિતેષભાઈ જોષી, વીમા કંપનીના અધિકારી નિરવ આશરા અને કોર્ટ સ્ટાફ હાજર રહ્યો હતો.