સૌરાષ્ટ્રને સાતમે ટાઢું કરતી મેઘમહેર રાજકોટમાં સાંબેલાધારે ૭ ઇંચ વરસાદ

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્રને સાતમે ટાઢું કરતી મેઘમહેર રાજકોટમાં સાંબેલાધારે ૭ ઇંચ વરસાદ 1 - image


ચોટીલાપડધરી અને વાંકાનેરમાં ધોધમાર પાંચ ઇંચથાનગઢમાં ત્રણ ઇંચ તો બોટાદવલ્લભીપુરલોધિકાભાવનગરજસદણગોંડલ અને કોટડા સાંગાણીમાં બે ઇંચ વરસાદથી સર્વત્ર પાણી...પાણી...

રાજકોટ :  સૌરાષ્ટ્રમાં અંતે ગત મધરાતથી સાતમ-આઠમનાં તહેવારને ભીંજવી દેવા માટે સાર્વત્રિક મેઘરાજાએ પધરામણી કરી હતી. આજે ૬૬ તાલુકામાં જોરદાર ઝાપટાથી માંડીને  ૧૦ ઇંચ સુધીનો વરસાદ વરસી પડયો હતો. જેમાં સૌથી વધુ પડધરીનાં સરપદડ ગામે ધૂંઆધાર ૧૦ ઇંચ વરસાદથી ગામ બેટમાં ફેરવાઇ ગયું હતું. એ જ સ્થિતિ અનરાધાર સાત ઇંચ વરસાદથી  રાજકોટ શહેરમાં નિર્માણ પામી હતી. આજે ચોટીલા, પડધરી અને વાંકાનેરમાં પણ ધોધમાર પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. પરિણામે આજે સાતમના દિવસે જાણે મેઘરાજાએ સૌરાષ્ટ્રને ટાઢુ કર્યું હતું.

રાજકોટ શહેરમાં વહેલી સવારે ૪ વાગ્યે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જે વરસાદ આખો દિવસ વરસતો રહ્યો હતો, રવિવારની રજા અને સાતમનો પર્વ એટલે નગરજનોએ મન ભરીને લાંબા સમય બાદ વરસેલ અનરાધાર મેઘમહેરનો આનંદ લૂંટયો હતો. સેંકડો લોકો ચાલુ વરસાદે પણ મેળો માણવા ઉમટયા હતા. જો કે મોટાભાગના લોકોએ આજનો દિવસ ઘરમાં જ વિતાવવો પડયો હતો. શહેરમાં સવારે ચાર વાગ્યે ચાલુ થયેલો વરસાદ રાત્રે ૮ વાગ્યા સુધીમાં સાત ઇંચ વરસી ગયો હતો. ત્યારબાદ પણ ધીમીધારે મેઘમહેર ચાલુ જ રહેતા વાતાવરણ ટાઢુબોળ થઇ ગયું હતું. આજનાં ધોધમાર વરસાદથી શહેરમાં ૧૧ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. માધાપર સર્કલથી ગોંડલ ચોકડી સુધીનાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ગોઠણડૂબ પાણી ભરાતા વાહન વ્યવહારને માઠી અસર થઇ હતી. કાલાવડ રોડનો મહિલા કોલેજ અન્ડરબ્રીજ પાણી ભરાવાના કારણે બંધ કરવો પડયો હતો. શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં પણ પુર આવ્યું હતું.

રાજકોટ શહેર ઉપરાંત જીલ્લામાં પણ આજે ધીંગી મેઘમહેર વરસી હતી. જેમાં પડધરીના સરપદડ ગામે સવારથી સાંજ સુધીમાં અનરાધાર ૧૦ ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. એજ રીતે પડધરી ગામમાં પ ઈંચ તેમજ લોધિકા, જસદણ, કોટડાસાંગાણી, ગોંડલમાં ર ઈંચ વરસાદ પડયો હતો.  વિંછીયા અને ધોરાજી ઉપરાંત જામકંડોરણા, જેતપુરમાં પણ અડધાથી  એક ઈંચ વરસાદ સર્વત્ર પાણી પ્રસરાવી દીધા હતા. રાજકોટ જીલ્લામાં આજના વરસાદથી આજી-ર, આજી-૩, ન્યારી-ર અને ડોંડી ડેમમાં પાણીની પૂષ્કળ આવક થતા દરવાજા ખોલવા પડતાં નીચેના હેઠવાસના ગામોને એલર્ટ કરાયા હતા.

સૌરાષ્ટ્રમાં આજે સાતમના પર્વે ચોટીલા, વાંકાનેરમાં ધોધમાર પ ઈંચ તેમજ થાનગઢમાં ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત બોટાદ, વલ્લભીપુર, ભાવનગરમાં ર ઈંચ તથા વઢવાણ, બાબર, ચુડા, દસાડા, ઘોઘા, ધ્રાંગ્ધ્રા, લીંબડી, ઉમરાળા, કાલાવડ, મુળી, સિહોરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છેજયારે મોરબી, હળવદ, જામનગર, વડીયા, લાઠી, ગીરગઢડા, જાફરાબાદ, ગારીયાધાર, જેતપુર, ટંકારા, સાયલા, માળીયામિંયાળા અને વિસાવદર અડધાથી પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. અન્ય ર૬ તાલુકા મથકોએ જોરદાર ઝાંપટાંથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

સૌરાષ્ટ્રમાં આજે સાતમના દિવસથી  લોકમેળાઓની રંગત જામવાની હતી ત્યારે  હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારેથી અતિભારે વરસાદ વરસવાનો શરૃ થતાં એક તરફ લાંબા સમય બાદ ચાલુ થયેલી મેઘમહેરનો આનંદ છે, તો બીજી તરફ તહેવારોમાં વિક્ષેપ પડયાનો અફસોસ પણ લોકોમાં જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજૂ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 

rajkotrain

Google NewsGoogle News