શાશ્વત મહાતીર્થ પાલિતાણા ખાતે આજે 6 ગાઉની મહિમાવંતી યાત્રા
- યાત્રાના માર્ગો જય જય આદિનાથના નાદથી ગુંજી ઉઠશે
- ફાગણ સુદ તેરસના મહામેળામાં દેશ-દેશાવરમાંથી અંદાજે પોણો લાખ આસપાસ ભાવિકો ઉમટી પડે તેવી શકયતા
શાશ્વત મહાતીર્થ પાલિતાણાના શેત્રુંજય ગિરિરાજ પર્વતમાં આવતીકાલે ફાગણ સુદ-૧૩ ઢેબરિયા તેરસના ૫ાવન દિવસે છ ગાઉની મહાયાત્રા યોજાશે. જેમાં દેશ-વિદેશમાંથી પોણા લાખ આસપાસ સાધુ, સાધ્વીજી મ.સા. તેમજ જૈન જૈનેતર ભાવિક ભકતો ઉમટી પડી ધન્યતા અનુભવશે. જૈન ધર્મના અનન્ય શ્રધ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન શેત્રુંજય મહાતીર્થમાં પ્રતિ વર્ષની પરંપરા મુજબ સાડા આઠ કરોડ મુનિઓના મોક્ષગમનના દિવસ ફાગણ સુદ-૧૩ ના પર્વને અનુલક્ષીને શનિવારથી જ શ્રધ્ધાળુઓનુ આગમન થઈ રહેલ છે. યાત્રાને લઈને પાલિતાણાની તમામ ધર્મશાળાઓ હાઉસફૂલ થઈ ગયેલ છે.શનિવારે અચલગચ્છ કચ્છી જૈન સમાજના અંદાજે ૧૫૦૦ આસપાસ ભાવીકોએ છ ગાઉની યાત્રા કરી હતી. આવતીકાલ તા.૫ ને રવિવારે વહેલી સવારે છ ગાઉની યાત્રાનો હજજારોની સંખ્યામાં ઉમટી રહેલા ભાવિકો દ્વારા અનન્ય ભકિતભાવભર્યા માહોલ વચ્ચે શુભારંભ થશે જય જય આદિનાથ નારાઓ સાથે તેઓ પર્વત પર ૩૪૫૦ પગથીયા ચડી ભગવાન આદીશ્વરદાદાના પ્રક્ષાલના જળવાળા પવિત્ર કુંડના દર્શન કરી અજીતનાથ સ્વામી શાંતિનાથ પ્રભુજીના દર્શન કરી આદપુરમાં આવેલા અતિ પવિત્ર સિધ્ધવડ નામક વડના દર્શન, ચૈત્યવંદન અને ધાર્મિક ક્રિયાઓ કરી યાત્રિકો મહાયાત્રાની પુર્ણાહુતિ કરાશે.આદપુરમાં દરેક યાત્રિકોનું કંકુતિલક સંઘપૂજન કરી પ્રભાવના અપાશે. આણંદજી કલ્યાણજી પેઢી તેમજ દેશ-વિદેશના જૈન સંઘના દાતાપરિવારો દ્વારા યાત્રિકોની સેવા માટે આદપુર ઘેટી ખાતે ૯૬ થી વધુ પાલ (ભકિત કેન્દ્રો) ઉભા કરાયા છે. જેમાં ચા,પાણી, સરબત, ફ્રુટ, ઢેબરા, દહિ, પુરી, તરબુચ, સુકામેવા સહિતની વાનગીઓથી પાલભકિત કરાશે. આ પાલમાં ભકિત કરનારા આયોજકો યાત્રિકોને આવો ભાગ્યશાળી કહીને ભાવપૂર્વક તેમના પાલમાં પધારી સાધર્મિક ભકિતનો લાભ આપવા બે હાથ જોડી વિનવતા હોય છે ત્યારે ખરેખર અનેરા ભાવુક દ્રશ્યો જોવા મળે છે. યોગાનુયોગ યાત્રા રવિવારે યોજાનાર હોય યાત્રિકોની સંખ્યામાં વધારો થાય તેવી સંઘના આગેવાનોએ શકયતા વ્યકત કરી છે.
શેત્રુંજય ગિરિરાજ એટલે મંદિરોની નગરી
મંદિરોની નગરી તરીકે જૈન સમાજમાં જાણીતી શેત્રુંજય ગિરિરાજની ગિરિમાળાઓમાં ૧૮૦૦૦ નાના મોટા શ્રધ્ધેય જિનાલયો આવેલા છે. જયાં નાની મોટી હજજારો જિન પ્રતિમાઓ બિરાજમાન છે. જે દેશ-વિદેશના લાખો યાત્રિકોને અહિં આવવા માટે પ્રેરે છે. અત્રે પ્રદક્ષિણાનો માર્ગ છ ગાઉનો હોવાથી યાત્રા છ ગાઉથી જાણીતી થઈ છે.વધુમાં છ ગાઉ એટલે બાર માઈલ અને બાર માઈલ એટલે ૧૮ કિ.મી. જેટલુ અંતર થાય છે.જે અંતર અત્રે ભાવભેર પધારેલા આબાલવૃધ્ધ શ્રધ્ધાાળુઓ હોંશે હોંશે પુર્ણ કરીને ધન્યતાની લાગણી અનુભવતા હોય છે.
આજથી આહાર-વિહારના જુના નિયમો બંધ કરાશે
પવિત્ર જૈન તીર્થ પાલિતાણામાં આવતીકાલે છ ગાઉની યાત્રા યોજાશે.આ યાત્રાના બીજા દિવસ ફાગણ સુદ-૧૪ કે જેે ચોમાસી ચૌદશ તરીકે જાણીતી છે. તે દિવસથી સમસ્ત જૈન સમાજમાં ખાન-૫ાન તેમજ આહાર અને વિહારના કેટલાય જુના નિયમો બંધ કરી નવા નિયમોનો અમલ શરૂ કરાશે.