જાફરાબાદમાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થઇ જતાં 6 દટાયા, 2ના મોત
ગીરીરાજ ચોકમાં દુઘર્ટનાના પગલે અફડાતફડી
બંધ હાલતમાં પડેલા જર્જરીત મકાનની બીજા માળની દીવાલ તૂટી પડતા નીચે લારીએ ચા-પાણી, નાસ્તો કરી રહેલા લોકો કાટમાળ નીચે દટાયા
અમરેલી, રાજુલા: જાફરાબાદના ગીરીરાજ ચોકમાં આજે સવારના અરસામાં ખાલી પડેલા ખાનગી માલિકીના જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થતા ત્યાં નીચે લારીમાં ચા-પાણી, નાસ્તો કરી રહેલા લોકો દટાયા હતા. દુઘર્ટનાના પગલે નાસભાગ મચી હતી. ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. દોડી આવેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી કાટમાળ હટાવી દટાયેલા ૬ લોકોને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા. તેમાંથી ર ના મોન થયા છે. જયારે ઈજાગ્રસ્ત ૪ને મહુવા તથા ભાવનગર ખાતે સારવારમાં ખસેડાયા છે.
આજે સવારે ૯ વાગ્યાના અરસામાં જાફરાબાદના ગીરીરાજ ચોકમાં આવેલા જૂનવાણી અને જર્જરિત હાલતમાં રહેલા ખાલી બિલ્ડીંગના બીજા માળની દીવાલ અચાનક તૂટી પડતા બિલ્ડીંગની નીચે ઉભેલી લારીઓમાં ચા-પાણી નાસ્તો કરવા ઓલા શખ્સો દટાયા હતા. ઘટનાના પગલે આ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.
બનાવના પગલે દોડી આવેલી પોલીસ તથા તંત્રએ સ્થાનિક લોકોની મદદથી કાટમાળ હટાવી દટાયેલા અને ઈજા પામેલા ૬ શખ્સોને બહાર કાઢી ૧૦૮ મારફતે પ્રથમ જાફરાબાદ હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે મહુવા અને ભાવનગર ખાતે ખસેડાયા હતા.
બનાવમાં ગંભીર ઈજા પામેલા સુરેશભાઈ નાનજીભાઈ સોલંકી તથા આતુભાઈ ચીનુભાઈ મકવાણાના કરૂણ મોત નિપજયા હતા. જયારે ભુપતભાઈ કાળુભાઈ મકવાણા, બાબુભાઈ બચુભાઈ સોલંકી, રોનકભાઈ ભગુભાઈ બાંભણીયા તથા ભગુભાઈ સોમાભાઈ બારૈયાને ઈજાગ્રસ્ત હાલતમાં મહુવા તથા ભાવનગર ખાતે સારવાર માટે ખસેડાયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગીરીરાજ ચોકમાં આવેલા ખાનગી માલીકીના મકાનમાં અગાઉ એસબીઆઈ બેંક બેસતી હત. પરંતુ ૧૦૦થી વધુ વર્ષ જૂનું આ મકાન અતિ જર્જરિત બની જતા બેંક અન્યત્ર સ્થળાંતર કરી જતા આ જર્જરિત મકાન ખાલી પડયું હતું. તંત્ર દ્વારા જર્જરિત મકાન ઉતારી લેવામાં બેદરકારી દાખવતા અંતે દુઘર્ટના બનતા બેનો ભોગ લેવાયો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.