પાલિતાણામાં 6 આચાર્ય અને 400 સાધુ, સાધ્વીજીની નિશ્રામાં 4 મુમુક્ષોને દીક્ષા અપાઈ
- બે યુવાન, એક પરિણીતા અને એક યુવતીએ દીક્ષા ગ્રહણ કરી
- મુમુક્ષુઓની અંતિમ વિદાય તિલકની વિધિ, પ્રતિજ્ઞાદાનની વિધિ, નૂતન નામ સ્થાપન થયું : દંપતીને દીક્ષા માટે મુહૂર્ત આપવાની જાહેરાત
પાલિતાણાના જાલોરી ભવનમાં આજે રવિવારે બે યુવાન, એક પરિણીતા બહેન અને એક યુવતીને જૈન સાધુતાની દીક્ષા આપવામાં આવી હતી. જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજની અધ્યક્ષતામાં થયેલા દીક્ષા પ્રદાન અવસરે સૂરિરામચંદ્ર ધર્મસામ્રાજ્યના ૬-૬ આચાર્યો તેમજ ૪૦૦ જેટલા સાધુ-સાધ્વીજી મ.સા.ની નિશ્રામાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. મહારાષ્ટ્ર ભવન ખાતે વર્ષાવાસ વિતાવનાર આચાર્ય નયવર્ધનસૂરીશ્વરજી મહારાજ, ૯૫ વર્ષના હિતપ્રજ્ઞાસૂરીશ્વરજી મહારાજ, સૌજન્યનિધિ હર્ષવર્ધનસૂરીશ્વરજી મહારાજ, આગમ અભ્યાસી પ્રશમાનંદસૂરીશ્વરજી મહારાજ અને ઉપધાન ક્રિયા વિશેષય નિર્મલદર્શનસૂરીશ્વરજી મહારાજે નિશ્રા આપી હતી. સવારે મંડપ પ્રવેશ બાદ મુમુક્ષુઓની અંતિમ વિદાય તિલકની વિધિ, દેવગુરૂની અંતિમ પ્રવ્યપૂજા, સંઘ વધામણાં, આચાર્ય ભગવંતોના હસ્તે રજોહરણ, લોચવિધિ, પ્રતિજ્ઞાાદાનની વિધિ બાદ ચારેય દીક્ષાર્થીઓનું નૂતન નામસ્થાપન કરવામાં આવ્યું હતું.
આ અવસરે રૂપેશભાઈ અને તેમના પત્ની જ્યોતિબેન સંઘવીને પણ તા.૨૦-૧૧ને બુધવારે દીક્ષા માટેનું મુહૂર્ત આપની જાહેરાત કરાઈ હતી. કોલકાતાના કટારિયા પરિવારે સમેતશિખર તીર્થ (ઝારખંડ) ખાતે જિનાલય નિર્માણ પ્રારંભના મુહૂર્તો મેળવ્યા હતા.