ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમના 59 દરવાજા દોઢ ફૂટ ખોલાયા
- શેત્રુંજી ડેમ છલકાયા બાદ સતત પાણીની આવક-જાવક શરૂ
- શેત્રુંજી ડેમમાં સાંજે ઉપરવાસમાંથી પાણીની આવક વધી, 9440 કયુસેક પાણીની આવક-જાવક
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ શેત્રુંજી ડેમ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે. ઉપરવાસમાંથી શેત્રુંજી ડેમમાં ગઈકાલે શુક્રવારે પાણીની આવક વધતા રાત્રીના ૯ કલાકે ડેમના ર૦ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા હતાં. ત્યારબાદ પાણીની આવક સતત શરૂ જ હતી. આજે શનિવારે સવારે ૧૮૦૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી. ત્યારબાદ પાણીની આવક વધીને ર૭૦૦ કયુસેક થતા ૩૦ દરવાજા ૧ ફૂટ ખોલાયા હતા અને ૩૬૦૦ કયુસેક પાણીની આવક થતા ૪૦ દરવાજા ખોલાયા હતાં. ૪પ૦૦ કયુસેક આવક થતા પ૦ દરવાજા ખોલાયા હતા અને ત્યારબાદ સાંજના ૭ કલાકના સમય આસપાસ પ૩૧૦ કયુસેક પાણીની આવક થતા તમામ પ૯ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતાં. રાત્રીના ૮ કલાકે શેત્રુંજી ડેમના પ૯ દરવાજા દોઢ ફૂટ ખુલ્લા હતા અને ૯૪૪૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી.
શેત્રુંજી ડેમ ઓવરફલો થતા ખેડૂત સહિતના લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. છેલ્લા કેટલાક વર્ષથી ડેમ ઓવરફલો થઈ રહ્યો છે. ડેમ છલકાતા લોકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી, જુનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ થાય તેનુ પાણી નદી મારફતે શેત્રુંજી ડેમમાં આવતુ હોય છે. ધારી ખોડીયાર ડેમનુ પાણી શેત્રુંજી ડેમમાં છોડવામાં આવે છે તેથી અમરેલી અને જુનાગઢ પંથકમાં સારો વરસાદ થાય તેનો ફાયદો ભાવનગર જિલ્લાને મળતો હોય છે.
3 યુવાનોને બચાવવા થોડીવાર માટે શેત્રુંજી ડેમના દરવાજા બંધ કરાયા
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ છલકાતા આજે શનિવારે ઘણા લોકો ડેમે પહોંચ્યા હતાં. ત્રણ યુવાનો ફોટા પાડવા માટે પાણીના પ્રવાહમાં જતા ફસાયા હતા તેથી સિંચાઈ વિભાગે તત્કાલ ડેમના દરવાજા બંધ કરી ત્રણેય યુવાનોને પાણીમાંથી બહાર કાઢયા હતાં. પાણીના પ્રવાહમાં તણાવાની ઘટનાઓ હાલ વધી છે ત્યારે લોકોએ જાગૃત થવુ જરૂરી છે.
ડેમ છલકાતા સિંચાઈ અને પીવા માટે પાણીની રાહત
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફલો થતા તળાજા સહિતના કેટલાક પંથકમાં સિંચાઈનુ પાણી મળી રહેશે, જયારે ભાવનગર શહેરમાં પીવાનુ પાણી મળી રહેશે. શેત્રુજી ડેમ છલકાતા ભાવનગર શહેર અને જિલ્લાના મોટાભાગના વિસ્તારને રાહત થઈ જતી હોય છે તેથી શેત્રુંજી ડેમ ઓવરફલો થાય તે માટે ખેડૂત સહિતના લોકો પ્રાર્થના કરતા હોય છે. ચાલુ વર્ષે ભાવનગર શહેરમાં પીવાના પાણીની સમસ્યા નહી રહે તેમ જાણકારો જણાવ્યુ હતું.
શેત્રુંજી ડેમ છલકાતા લોકો ઉમટી પડયા
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ છલકાયો છે તેથી લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. શેત્રુંજી ડેમ છલકાયાના આજે શનિવારે ડેમની આસપાસના ગામના લોકો તેમજ પાલિતાણા, તળાજા, ભાવનગર સહિતના લોકો ઉમટી પડયા હતાં. શેત્રુંજી ડેમ છલકાતો જોવો એક લાહવો છે તેથી આ લાહવો લેવા માટે લોકો આવતા હોય છે. આવતીકાલે રવિવારે રજાના દિવસે લોકોની ભીડ વધશે.
બોરતળાવ 36.2 ફૂટ અને ખોડીયાર તળાવ 20.2 ફૂટ ભરાયુ
ભાવનગર શહેરમાં આવેલ બોરતળાવના ગૌરીશંકર તળાવમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની આવક શરૂ છે. હાલ ૪ ફૂટ પાણીની આવક શરૂ છે તેથી ગૌરીશંકર તળાવ ૩૬.ર ફૂટ ભરાયુ છે. છેલ્લા ર૪ કલાકમાં ૧ ફૂટ પાણીની આવક થઈ છે. પાણીની આવક શરૂ છે તેથી હજુ સપાટી વધવાની શકયતા છે. બોરતળાવ ૪૩ ફૂટે ઓવરફલો થશે તેથી તળાવ ભરાતા હજુ વાર લાગશે તેમ જણાય રહ્યુ છે. રાજપરા ખોડીયાર તળાવ ર૦.ર ફૂટ ભરાયુ છે અને પાણીની આવક શરૂ છે. રાજપરા ખોડીયાર તળાવ ૩૦.૬ ફૂટે ભરાશે તેમ મનપાના વોટર વર્કસ વિભાગના અધિકારી દેવમુરારીએ માહિતી આપતા જણાવેલ છે.