પાંદડ ચેકડેમમાં પ્રદુષિત પાણી ઠાલવતા 500 એકરમાં પાકને નુક્સાન થયું

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
પાંદડ ચેકડેમમાં પ્રદુષિત પાણી ઠાલવતા 500 એકરમાં પાકને નુક્સાન થયું 1 - image


રોષે ભરાયેલા ખેડૂતોનો સૂત્રોચ્ચાર

કેમિકલયુક્ત અને ઝીંગાના તળાવોનું પાણી ઠાલવતા હોવાનો આક્ષેપ

આણંદ: ખંભાત પંથકના કેટલાક ગામોમાં સમયાંતરે ચેકડેમમાં ઠલવાતા પ્રદૂષિત પાણીના કારણે ખેતીપાક સહિત પશુઓ માટે પાણીની સમસ્યા સર્જાવાની સ્થિતિ પુનઃ ઉદ્ભવી છે. ખંભાત તાલુકાના પાંદડ ગામના ચેકડેમમાં કેમીકલયુક્ત અને ઝીંગાના તળાવોનું પાણી ઠાલવવામાં આવતા આ પાણીનો ખેતીમાં ઉપયોગ કરાતા લગભગ ૫૦૦ એકર જમીનનો ખેતીપાક નષ્ટ થવા પામ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. સાથે સાથે આ મામલે તંત્રની બેદરકારી સામે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે.

આ અંગે ખેડૂતો પાસેથી મળતી માહિતી મુજબ પાંદડ ગામે સિંચાઈના પાણી ચેક ડેમમાંથી લેવામાં આવે છે પરંતુ આ વિસ્તારની આસપાસમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઝીંગા તળાવો અને કેમીકલ કંપનીઓ દ્વારા ચેકડેમમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવતા ચેકડેમનું પાણી કેમીકલયુક્ત બને છે અને છેલ્લી ઘડીએ તૈયાર થયેલા ખેતી પાકમાં પ્રદુષિત પાણી લેવાતા સમગ્ર પાક નાશ પામે છે. અગાઉ પ્રદુષિત પાણી છોડનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી. જો કે તંત્ર દ્વારા આ મામલે કોઈ જ લક્ષ ન અપાતા ખેડૂતોને તૈયાર થવા આવેલા પાક નાશ પામતા આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો હોવાના આક્ષેપો ઉઠયા છે.

આ અંગે પાંદડ ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું હતુું કે, પાંદડ ચેકડેમમાંથી હજારો એકર ખેતીની જમીનમાં પાકો તૈયાર કરવા માટે પાણી લેવામાં આવે છે. જો કે આ ચેકડેમમાં આસપાસના ગામોના ઝીંગાના તળાવોમાંથી  પ્રદુષિત પાણી ઠાલવવા સાથે કેટલીક કેમીકલ કંપનીઓ દ્વારા રાત્રિના સમયે કેમીકલયુક્ત પાણી ચેકડેમમાં છોડવામાં આવતા ખેડૂતો માટે ઉપયોગી ચેકડેમ બિનઉપયોગી પુરવાર થઈ રહ્યો હોવાનો રોષ વ્યક્ત કરાયો છે. હાલ તો પ્રદુષિત પાણીના ઉપયોગને કારણે ૫૦૦ એકર જમીનનો તૈયાર થવા આવેલો ખેતીપાક સંપૂર્ણપણે નાશ પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News