મહાપાલિકાના સ્ટાફ,પેન્શનર્સને 50 ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવાશે

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
મહાપાલિકાના સ્ટાફ,પેન્શનર્સને 50 ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવાશે 1 - image


- સાતમા પગાર પંચ મુજબ જૂલાઈ-2024 થી ચૂકવવાની મંજૂરી  

- જાન્યુઆરીથી જૂન-2024 સુધીના તફાવતની રકમ 3 હપ્તામાં ચૂકવવાનો પણ હુકમ : અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સમાં આનંદની લાગણી 

ભાવનગર : ભાવનગર મહાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને સાતમા પગાર પંચ મુજબ જુલાઈ-૨૦૨૪ માસથી ૫૦ ટકા મુજબનું મોંઘવારી ભથ્થુ માસિક પગાર-પેન્શન સાથે નિયમિત રીતે તથા સૂચિત મોંઘવારી ભથ્થાના જાન્યુઆરીથી જૂન-૨૦૨૪ સુધીના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવા હુકમ કરાયો છે. 

આ અંગેની વિગત અનુસાર ભાવનગર મહાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તથા પેન્શનર્સને તા.૧-૧-૨૦૧૬થી સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલ છે. પરંતુ પગાર અને પેન્શનમાં આ પગાર સુધારણાનો અમલ તા.૧-૫-૨૦૧૭થી કરવાનો અને સરકારના તા. ૨૯-૨-૨૦૨૪ના ઠરાવ મુજબ ૪૬ ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવા હુકમ કરવામાં આવેલ છે. 

 સાતમા કેન્દ્રિય પગાર પંચની મોંઘવારી ભથ્થાની ચૂકવણી અંગેની ભલામણો સંદર્ભે રાજ્ય સરકારના કર્મચારીઓને તા.૧-૧-૨૦૨૪થી માસિક મોંઘવારી ભથ્થાનો દર મૂળ પગારના ૫૦ ટકા ચૂકવવા પાત્ર રહેશે. તેવો ઠરાવ થયેલ છે. 

 ગુજરાત સરકારના નાણાં વિભાગના તા. ૪-૭-૨૦૨૪ના ઠરાવ મુજબ ભાવનગર મહાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તથા પેન્શનર્સને મોંઘવારી ભથ્થુ સરકારના ઠરાવ મુજબ ચૂકવવાની મંજૂરી કમિશનર દ્વારા પ્રાપ્ત થતા તે અન્વયે ભાવનગર મહાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તથા પેન્શનર્સને સાતમા પગાર પંચ મુજબ જૂલાઈ-૨૦૨૪થી જૂન-૨૦૨૪ સુધીના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવા હુકમ કરવામાં આવેલ છે. 

ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં ચૂકવાશે તફાવતની રકમ

પ્રથમ હપ્તો (જાન્યુઆરી-૨૦૨૪થી ફેબુ્રઆરી-૨૦૨૪) જૂલાઈ માસના પગાર-પેન્શન (પેઈડ ઈન ઓગસ્ટ)ની સાથે તથા બીજો હપ્તો (માર્ચ-૨૦૨૪થી એપ્રિલ-૨૦૨૪) ઓગસ્ટ માસના પગાર-પેન્શન (પેઈડ ઈન સપ્ટેમ્બર)ની સાથે તથા ત્રીજો હપ્તો (મે-૨૦૨૪થી જૂન-૨૦૨૪) સપ્ટેમ્બર માસના પગાર-પેન્શન (પેઈડ ઈન ઓક્ટોબર)ની સાથે ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. 


Google NewsGoogle News