Get The App

સસ્તામાં પ્લોટ આપવાની લાલચ આપી વધુ લોકો સાથે રૃા. ૫.૩૩ લાખની ઠગાઇ

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
સસ્તામાં પ્લોટ આપવાની લાલચ આપી વધુ લોકો સાથે રૃા. ૫.૩૩ લાખની ઠગાઇ 1 - image


આરોપી મનહર ત્રાડા સામે બીજી ફરિયાદ નોંધાઈ

કણકોટ રોડ પર ૧૦૦ વારના પ્લોટ આપવાના નામે લોકોને છેતરી લીધા હતા

રાજકોટ :  સરકારી પ્લોટ અપાવવાની લાલચ આપી મહિલા સહિત ૯ જણા સાથે રૃા. ૫.૨૫ લાખની ઠગાઇ કરવા અંગે ગઇકાલે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં મનહર રવજી ત્રાડા અને તેની પત્ની ખુશ્બુ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી મનહર સામે ૧૦૦ વારના પ્લોટ અપાવી દેવાના નામે વધુ પાંચથી વધુ જણા સાથે રૃા. ૫.૩૩ લાખની ઠગાઇ કર્યાની બી ડીવીઝન પોલીસ મથકમાં બીજી ફરિયાદ નોંધાઈ છે.

કુવાડવા રોડ પરના એલ.પી. પાર્ક શેરી નં. ૧માં રહેતા અને કુવાડવા રોડ પર જ એક જ્વેલર્સ પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા નવરતનભાઈ મોતીલાલ હર્ષ (ઉ.વ.૪૫)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સંત કબીર રોડ પર રહેતા મિત્ર સંજય જાનાએ થોડા દિવસ પહેલા તેને કોલ કરી જણાવ્યું કે, તેના ઓળખીતા મનહરભાઈ (રહે. કદમ હાઇટ્સ, સી-૫૦૩, કાલાવડ રોડ) પાસે પ્લોટ અંગેની સ્કીમ છે. તે રૃા. ૫૦ હજારમાં કણકોટ પાસે ૧૦૦ વારનો પ્લોટ આપે છે. તેણે પણ રૃા. ૧ લાખ આપી બે પ્લોટ બૂક કરાવ્યા છે.જો તેને પણ પ્લોટ લેવો હોય તો કહે.

જેથી તેણે હા પાડતાં સંજયે અત્યારે જ રૃા. ૫૦ હજાર આપવા પડશે તેમ કહેતા તેને રૃા. ૫૦ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતાં. બીજા દિવસે સંજય સાથે કેકેવી ચોક પાસે યુનિયન બેન્કે ગયા હતા. જ્યાં મનહર મળ્યો હતો. જેણે કહ્યું કે તે રૃા. ૫૦ હજારમાં ૧૦૦ વારનો પ્લોટ કણકોટ રોડ પર આપે છે. હવે તેની પાસે માત્ર બે જ પ્લોટ બાકી છે. જેમાંથી તેનો એક પ્લોટ બૂક કર્યો છે. બાદમાં તેની એક ફોર્મમાં સહી કરાવી કહ્યું કે આ સ્કીમ થોડા સમય માટે જ છે. હવે જે એક પ્લોટ બાકી રહ્યો છે તે તમારા સગા-સંબંધીઓને જોઇતો હોય તો કહેજો.

જેથી તેણે પત્નીના નામે બીજા પ્લોટનું બુકીંગ કરાવ્યું હતું. તે વખતે મનહરે પોતાના મોબાઇલમાં પ્લોટની ફાળવણી કરતો હોય તેવા ફોટા પણ બતાવ્યા હતાં. સાથોસાથ કહ્યું કે આ ગરીબ માણસોની સ્કીમ છે, ગરીબોને મકાન મળે તે માટે હું મહેનત કરું છું, તમારા બંને પ્લોટના દસ્તાવેજ થોડા દિવસમાં કરી આપીશ. તેને પ્લોટ બતાવવાનું કહેતા કહ્યું કે દસ્તાવેજ થતાની સાથે જ ફાઈલ સાથે પૂજા કરવા આપણે સીધા પ્લોટ પર જશું. બીજા દિવસે મનહર તેના ઘરે આવી બીજા પ્લોટના રૃા. ૫૦ હજાર લઇ ગયો હતો. તે વખતે ફરીથી કહ્યું કે હજી પણ તેની પાસે એક પ્લોટ બાકી છે. પરિણામે તેણે પત્નીના ફ્રેન્ડ હેમાબેન પટેલને વાત કરતાં તેણે પણ રૃા. ૪૯,૭૦૦માં પ્લોટનું બુૂકિંગ કરાવી તે રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી.

તેના થોડા દિવસો બાદ મનહરે આપેલા મોબાઈલ નંબર બંધ મળ્યા હતાં. જેથી સંજયને તપાસ કરવાનું કહેતા મનહરનો સંપર્ક થયો ન હતો. આ રીતે છેતરી ગયાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં તપાસ કરતાં બીજા લોકો સાથે પણ આ રીતે છેતરપિંડી કર્યાનું જાણવા મળ્યું હતું.

ભોગ બનનારાઓમાં સંજય જાનાના રૃા. ૧ લાખ, જતીન જેન્તીભાઈ ખુંટના રૃા. ૭૩ હજાર, શ્વેતાબેન રોહિતભાઈ મારૃના રૃા. ૩૦ હજાર, રાજેશ સોલંકીના રૃા. ૯૦ હજાર ગયા હતા. જેમાંથી રાજેશે રોકડ રકમ નહીં હોવાથી સોનાની બુટ્ટી આપી હતી. આ રીતે તેના રૃા. ૧.૮૦ લાખ ગયા હતા. 


Google NewsGoogle News