Get The App

શેત્રુંજી ડેમના ડાબા-જમણા કાંઠાની કેનાલમાંથી વર્ષે પાણી ચોરી કરતા 488 આસામી ઝડપાયા

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
શેત્રુંજી ડેમના ડાબા-જમણા કાંઠાની કેનાલમાંથી વર્ષે પાણી ચોરી કરતા 488 આસામી ઝડપાયા 1 - image


- ચાલુ વર્ષે બીજુ પાણ અપાયું છે ત્યારે હવે ચેકીંગ શરૂ કરાશે

- નિયત ફી-ફોર્મ ભર્યા વગર ૫૧૨ હેક્ટરમાં પિયત પાણી લેતા ખેડૂતો પર દોઢા દરે બોજો નખાયો હતો

ભાવનગર : શેત્રુંજી સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોની વ્યાપક માંગણીને લઇ તબક્કાવાર પાણી છોડવામાં આવે છે. જે અંતર્ગત નિયત ફોર્મ આગોતરા ભરવાના હોય છે. પરંતુ ઘણા ખેડૂતો વગર ફોર્મ ભર્યે પાણી ચોરી કરતા હોય તંત્ર દ્વારા ગત વર્ષમાં ૪૮૮ આસામીઓને ઝડપ્યા હતા અને દોઢા દરે બોજો નાખવાની કામગીરી કરાઇ હતી.

મળતી વિગતો મુજબ શેત્રુંજી સિંચાઇ વિભાગ દ્વારા ડાબા અને જમણા કાંઠાની કેનાલમાં જરૂરીયાત મુજબ પાણી છોડવામાં આવે છે. જે પિયત માટે ખેડૂતો અગાઉથી ફોર્મ ભરતા હોય છે. સાથે નિયત ફી પણ ભરતા હોય છે. જ્યારે પાણી છોડયા બાદ પણ ઘણા ખેડૂતો ફોર્મ ભર્યા વગર કેનાલમાંથી પાણી લેતા હોય છે. જેના સરપ્રાઇઝ ચેકીંગમાં આવી ગેરરીતિ બહાર આવે છે. ગત વર્ષે તબક્કાવાર સાત પાણ પાણીના અપાયા હતા. દરમિયાન સિંચાઇ વિભાગે હાથ ધરેલ સરપ્રાઇઝ ચેકીંગ દરમિયાન ૪૮૮ આસામી ૫૧૨ હેક્ટરમાં પાણી ચોરી કરતા ઝડપાયા હતા. જે તમામને નિયત રકમના દોઢા દરે બોજો નાખવાની કામગીરી સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેઓ આ વર્ષે નવા ફોર્મ ભરતી વખતે વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે આ વર્ષે બીજુ પાણ ગઇકાલે આપવાનું શરૂ કરાયં છે. ત્યારે ચાલુ પાણ દરમિયાન પણ પાણી ચોરીની ગેરરીતિ અટકાવવા પોલીસને સાથે રાખી સરપ્રાઇઝ ચેકીંગ કાર્યવાહી કરાશે, તેમ જણાયું છે.

બીજુ પાણ છોડવાના એક જ દિવસમાં નવા 100 ફોર્મ ભરાયા

શેત્રુંજી સિંચાઇ વિભાગ દ્વારા ૧૧૫૦૦ હેક્ટરનું આયોજન કરાયુ છે અને ૫૦ ટકા ફોર્મ ભરાયા બાદ પાણી આપવાનો નિયમ છે. જ્યારે ઘણા ખેડૂતો પાણી છોડયા બાદ ફોર્મ ભરતા હોય છે. જેથી બીજા પાણ માટે ગઇકાલ સુધી ૨૧૦ ફોર્મ આવ્યા હતા. જ્યારે ખેડૂતોની વ્યાપક માંગણીને ધ્યાને લઇ પાણી છોડવામાં આવતા આજે એક દિવસમાં આ ફોર્મનો આંકડો ૩૯૨ સુધી પહોંચ્યો હતો. જે આગામી દિવસોમાં પણ ઝડપી વધારો થવાની સંભાવના છે.


Google NewsGoogle News